ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જવરીમલ બિશ્નોઈ 5 લાખ રૂપીયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. સીબીઆઇ દ્વારા રંગે હાથે ઝડપાયા બાદ તપાસ દરમિયાન અધિકારીએ પોતાની જ કચેરીમાંથી ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ ચર્ચાસ્પદ કેસમાં મૃતકનાં પુત્ર આદિત્ય બિશ્નોઇએ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટને પત્ર લખ્યો છે. જેમાં અનેક ખળભળાટ મચાવી શકે તેવી વાતો પણ લખવામાં આવી છે. આ પત્રમાં એમ પણ લખ્યુ છે કે, સીબીઆઇના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધાવો જોઇએ.
આ પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે, ‘સીબીઆઇના અધિકારીઓ જ્યારે ઘરે સર્ચ કરી રહ્યા હતા તે દરમિયાન કહ્યું હતું કે” તું તારા પિતાનું મોઢું ક્યારેય જોઇ નહીં શકે. તારા પિતાએ મોટી રાજકીય વગ ધરાવતા વ્યક્તિ સાથે માથાકૂટ કરી છે એટલે પતાવવા પડશે. આ ઉપરાંત પણ આદિત્યએ સીબીઆઇ પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યુ છે કે, સીબીઆઇના અધિકારીઓ તેમના ઘરે ઘુસીને અસભ્ય વર્તન કર્યો છે. ઘરનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો છે અને તેઓ રૂપિયા ભરેલો થેલો બહારથી લાવીને સીબીઆઈના અધિકારીઓ કોરા કાગળમાં સહી કરાવવા ઇચ્છતા હતા.’
આ સાથે પત્રમાં એવું પણ લખ્યુ છે કે, ‘સીબીઆઇના અધિકારીઓએ સ્પીકર ફોનમાં તેના પિતા સાથે વાત કરી હતી ત્યારે તેના પિતા પરિવારને વચ્ચે ન લાવવાની પણ આજીજી કરી રહ્યા હતા.’ આદિત્યએ એવો પણ દાવો કર્યો છે કે, સીબીઆઇએ સર્ચ દરમિયાન જે વાતો કહી છે તેનું ઓડિયો રેકોર્ડિંગ તેની પાસે છે.