વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાને પગલે રમખાણોની ઘટના બાદ તુર્ત પોલીસ એકશનમાં આવી ગઈ હોય તેમ આખી રાત દરોડાનો દોર ચલાવીને 22 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી હવે આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
વડોદરામાં ગઈકાલે રામનવમીનાં તહેવાર નિમિતે ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ દરમ્યાન ફતેહપુરામાં પણ જુદા જુદા બે સ્થળે પથ્થરમારો કરીને શાંતિ હડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થતા બે જુથો સામસામા આવી ગયા હતા. અને જોરદાર અથડામણ થઈ હતી પોલીસે લાઠીચાર્જ કરીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. અને એસઆરપી સહીતનો વધારાનો પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો.
પોલીસના સુત્રોએ કહ્યું કે પરિસ્થિતિ કાબુમાં આવી ગયા બાદ તોફાની તત્વો સામે એકશન શરૂ કરવામાં આવ્યા હતા. સીસીટીવીનાં આધારે તોફાની તત્વોની ઓળખ કરીને સમગ્ર વિસ્તારમાં આખીરાત તપાસ દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. અને વીણીવીણીને શોધવામાં આવ્યા હતા. રાત દરમ્યાન 22 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આજે પણ ફતેપુરામાં કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. એસઆરપીની કુમકો પણ ઉતારવામાં આવી છે.
વડોદરામાં તોફાનોનાં ઘટનાક્રમને પગલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ એકશનમાં આવી ગયા હતા. તાત્કાલીક ઉચ્ચ અધિકારીઓ, સાથે બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. વહેલીતકે હાલત કાબુમાં લેવા તથા શોભાયાત્રામાં પથ્થરમારો કરવા ઉપરાંત તંગદીલી સર્જનારા કોઈને પણ નહી છોડવા તથા કડક કાર્યવાહી કરવાના આદેશો કર્યા હતા તેને પગલે પોલીસ કાફલો તૂટી પડયો હતો. સીસીટીવીનાં આધારે આરોપીઓની ઓખળ મેળવીને ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. માહિતગાર સુત્રોએ એમ કહ્યું હતું કે, તોફાન સર્જનારા તત્વોને શબક શીખડાવવા કડક કાર્યવાહીના ભાગરૂપે તેઓના ઘર પર બુલડોઝર ચલાવવાના ચક્રો ગતિમાન કર્યા છે.સમગ્ર વિસ્તારમાં હજુ અજંપો પ્રવર્તી રહ્યો છે.