ધરતીપુત્રોના માથેથી હજુ  કમોસમી માવઠાનું સંકટ ટળ્યું નથી, હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. ફરી એકવાર કરાયેલી આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. અંબાલાલ પટેલે વરસાદની સાથે ગરમીનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં 12થી 19 એપ્રિલ વચ્ચે હવામાનમાં પલટો આવશે. આ દરમિાયન સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાનમાં પલટો આવશે. 12થી 15 એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. 23થી 28 એપ્રિલે પવન-આંધી સાથે રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની શક્યતાઓ છે. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે કમોસમી વરસાદ અને આકરા તાપની આગાહી કરી હતી.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે,રાજ્યમાં 11 અને 12 એપ્રિલે કમોસમી વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ઝાપટાં પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીને કારણે જગતના તાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. ખેડૂતો હજી માવઠાના નુકસાનમાંથી બેઠા નથી થયા ત્યારે વારંવાર આવતા માવઠાથી ખેડૂતોની માઠી દશા થઈ છે.
			

                                
                                



