દેશમાં ફરી કોરોનાના સતત વધી રહેલા કેસ તથા મૃત્યુની સંખ્યામાં આવેલા ઉછાળા બાદ હવે કોરોનાની નવી લહેરની આશંકા સામે કેન્દ્ર સરકાર તથા રાજયો સાવધ થઈ ગયા છે અને કોવિડના મુકાબલા માટે હોસ્પીટલ તૈયારીઓની સમીક્ષા કરવા આજે દેશભરમાં બે દિવસની મોકડ્રીલનો પ્રારંભ થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં બે દિવસ કોરોનાના નવા પોઝીટીવ 6000થી વધુ નોંધાયા હતા જયારે તે રવિવારે 5537 કેસ નોંધાયા છે અને રાજયની દિલ્હીથી છેક કેરળ સુધી જે રીતે કોરોના કેસ વધ્યા તે ચિંતા છે. દેશમાં કેસ વધતા હવે હરિયાણા સહિત ત્રણ રાજયોએ તો જાહેર સ્થળો પર માસ્ક ફરજીયાત કરી દીધા છે.
કોરોનાનો ડબલ એટેક થયો છે જેમાં એકસબીબી-1.16 અને એકસબીબી 1.16.1 એમ વધુ એક વેરીએન્ટ જોવા મળ્યો છે. જેના કારણે સંક્રમણની રફતાર વધશે તેવો ભય છે. જો કે બન્ને સામે બચાવ-ઈલાજ એક જ સમાન છે. કોરોના વાયરસનું મોનેટરીંગ કરી રહેલા ‘ઈન્સાકોગ’ ના જણાવ્યા મુજબ આ બન્ને વેરીએન્ટ વચ્ચે અંતર ફકત સ્વાઈક પ્રોટીનનો છે જે 2020માં પ્રારંભમાં નજરે ચડયો હતો. આ રીપોર્ટના જણાવ્યા મુજબ ગુજરાત-મહારાષ્ટ્ર અને ઉતરપ્રદેશો બન્ને વેરીએન્ટ જોવા મળ્યા છે જેમાં 11 રાજયોમાં 184 કેસમાં એકસબીબી 1.16.1 વેરીએન્ટ જોવા મળ્યું છે. દિલ્હીમાં હવે મંદિરોમાં ભકતોને માસ્ક સાથે જ આવવા જણાવાયું છે. દિલ્હીમાં 699 નવા કેસ અને ચાર મૃત્યુ નોંધાતા આ નિર્ણય લેવાયો હતો.
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડલીયાએ લોકોને ગભરાવવાની નહી પણ સતર્ક રહેવા સલાહ આપી છે તથા કેન્દ્ર અને રાજય સરકારો કોઈપણ સ્થિતિનો મુકાબલો કરવા પુરી રીતે તૈયાર હોવાની પણ ખાતરી આપી હતી. હરિયાણામાં સરકારે શાળા-કોલેજો તથા જાહેર સ્થળો પર માસ્ક ફરજીયાત કર્યા છે. પોંડીચેરીમાં પણ આ જ પ્રકારે પાબંદી લગાવાઈ છે તો ઉતરપ્રદેશમાં રાજય સરકારે ચીનના તમામ વિમાની મથકો પર વિદેશથી આવતા લોકો માટે આરટીપીસીઆર નેગેટીવ રીપોર્ટ ફરજીયાત કર્યા છે પણ ચિંતા એ છે કે આ સમયે ઓમીક્રોન નહી એકસબીબીના બે વેરીએન્ટ એક સાથે ફેલાઈ રહ્યા છે. છેલ્લા છ માસમાં 71% લોકોમાં એકસબીબીનાં જ બે વેરીએન્ટ જોવા મળે છે.






