ભાવનગર,તા.૧૨
ભાવનગરની જાણીતી હોટેલ સન એન શાઇનમાં જીએસટી કૌભાંડ આચરાતું હોવાનું ધ્યાને આવતા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં હોટલ દ્વારા ગ્રાહકો પાસેથી બિલમાં જીએસટી પેટે રકમ વસૂલાતી હતી પરંતુ સરકારમાં રકમ ભરપાઈ ન કરી તે રકમનું ગબન કરવામાં આવતું હોવાનું ખુલ્યું હતું નથી. આથી સીજીએસટી કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે વિશ્વસનીય સુત્રો પાસેથી ઉપલબ્ધ માહિતી મુજબ ભાવનગરના પાનવાડી વિસ્તારમાં આવેલી હોટલ સન એન શાઈનના સંચાલક દ્વારા છેલ્લા પાંચ વર્ષથી રિટર્ન ફાઇલ થતું ન હતું જ્યારે ગ્રાહકો પાસે બિલની રકમ પર જીએસટી વસૂલવાનું ચાલુ રાખ્યું હતું અને તે રકમ સરકારમાં જમા નહિ કરાવી કૌભાંડ આચરાતું હતું, છેલ્લા પાંચેક વર્ષથી આ રીતે ગેરરીતિ આચરાતી હોવાનું તંત્રનું માનવું છે.
ચોક્કસ બાતમી આધારે સીજીએએસટી વિભાગની ટીમે હોટેલમાં ઓનલાઇન રેકર્ડ ચકાસી ગેરીરિતી પકડી પાડી હતી અને રૂ.૨૫ લાખની પેન્લટી ફટકારી છે. જયારે જ્વેલર્સ સર્કલ નજીક પૂજા પાર્લરમાં સર્ચ કરી પેનડ્રાઈવ કબજે લીધી હતી અને જુલાઈ બાદ રિટર્ન ફાઈલ ન કર્યું હોય ગેરરીતિ સબબ તંત્ર દ્વારા રૂ.૭ લાખની પેન્લટી ફટકારાઈ હોવાનું જાણવા મળ્યું છે.
			
                                
                                
