ઉના: સનખડા ગામમાં એક ઘરમાં ગેસનો બાટલો ફાટતા બે લોકો ગંભીર રીતે દાઝી ગયા અને બંનેને 108 મારફતે ઉના ખાનગી હોસ્પિટલ સારવાર ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, જયારે વૃદ્ધ મહિલા પોતાના ઘરમાં ચા બનાવતી હતી એ સમયે અચાનક જ ગેસના બાટલામાં વિસ્ફોટ થતા તે ગંભીર રીતે દાઝી ગઈ.
દાઝી ગયેલી આ મહિલાને બચાવવા જતા તેમના પાડોશમાં રહેલો યુવાન પણ ગંભીર રીતે દાઝી ગયો. ત્યારે બંનેને તાત્કાલિક 108 બોલાવીને સારવાર માટે ઉના ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સનખડા ગામના નવા પ્લોટ વિસ્તારમાં વહેલી સવારે ચા બનાવી વખતે અચાનક ગેસનો બાટલો ફાટતા ચા બનાવી રહેલા ડાયબેન ગોહિલને શરીર અને પગ ગંભીર રીતે દાઝી ગયા હતા. ગેસના બાટલામાં થયેલા બ્લાસ્ટનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, ત્યારે બાજુમાં રહેલા લાખા જેઠાભાઇ ગોહીલ મહિલાને બચાવવા ગયા, તો પોતે પણ દાઝી ગયા. જેથી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં ઉના સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
ગેસનો બાટલો ફાટવાને કારણે રસોડામાં પતરા ઉડી ગયા હતા, અને આસપાસના ઘરોના નળિયા-પતરા પણ ઉડી ગયા હતા. જે મકાનમાં બ્લાસ્ટ થયો એની આસપાસના ઘરોને પણ ભારે નુકશાન થયું હતું. અવાજ સાંભળીને દોડી આવેલા લોકોએ ભારે મહેનત કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘાયલ વૃદ્ધાના જણાવ્યા અનુસાર, ગેસનો બાટલો એક દિવસ પહેલા જ લગાવવામાં આવ્યો હતો અને એમાંથી ગંધ આવતી હતી. જો કે આ ઘટનામાં કોઈનો જીવ ગયો નથી.






