આઈપીએલની ચાર બળુકી ટીમો રાજસ્થાન રોયલ્સ-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપરકિંગ્સ-કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે ‘સુપર સન્ડે’ મુકાબલા રમાયા હતા જે ધારણા પ્રમાણે જ રનોના ઢગલાથી ભરપૂર રહ્યા હતા. પ્રથમ મુકાબલામાં બેંગ્લોરે રાજસ્થાનને હરાવ્યું હતું તો બીજી મેચમાં કોલકત્તાને 49 રને હરાવી ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં નંબર વન બની ગયું છે. એકંદરે ગઈકાલની બન્ને મેચમાં 42 છગ્ગાનો વરસાદ વરસતાં ક્રિકેટરસિકોને મજા પડી જવા પામી હતી.
આજે હૈદરાબાદ-દિલ્હી વચ્ચે ટક્કર: બન્નેને છે જીતની જરૂર
આઈપીએલમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર દિલ્હી કેપિટલ્સ સામે થશે. સાંજે 7:30 વાગ્યાથી શરૂ થનારી આ મેચમાં બન્ને ટીમને જીતની જરૂર છે. દિલ્હી અત્યારે પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે છે કેમ કે તેણે છમાંથી પાંચ મેચ હારી છે જ્યારે હૈદરાબાદની સ્થિતિ પણ કંઈક આવી જ છે અને તેણે દિલ્હી કરતાં માત્ર એક વધુ જીત મેળવી છે. બન્ને ટીમ સ્ટાર ખેલાડીઓની ભરપૂર હોવા છતાં આવી હાલત થવાને કારણે તેના ચાહકો ખાસ્સા નિરાશ જોવા મળી રહ્યા છે.