અમદાવાદ RTOમાં આજથી બોડી વોર્ન કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે. RTO ઇન્સ્પેક્ટર અને વાહનોના ફિટનેસની ચકાસણી કરતા કર્મચારીઓએ બોડી વોર્ન કેમેરા ફરજિયાત પહેરવા પડશે. આ કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખી શકશે. અમદાવાદમાં RTOના દરેક ઇન્સ્પેક્ટરને 8 કલાક સુધી કેમેરો પહેરીને રાખવો પડશે. RTOમાં ટેસ્ટ ટ્રેક કામ માટે બોડીવોર્ન કેમેરા ફરજિયાત કરાયા છે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શહેરની 3 RTOને 25 કેમેરાની ફાળવણી કરવામાં આવી છે.
RTOમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે હવે ટેસ્ટ ટ્રેક, દંડ વસુલતા અને ફિટનેસ ચકસતા અધિકારીઓના ખભા પાસે બોડી વોર્ન કેમેરા લાગશે. જેથી આ કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખી શકશે. મહત્વનું છે કે, આ કેમેરામાં કર્મચારીનો વીડિયો અને ઓડિયો રેકોર્ડ થશે.
બોડી વોર્ન કેમેરા શું છે?
બોડી વોર્ન કેમેરા એક નાનું ઉપકરણ છે. તે ખભા પાસે યુનિફોર્મ ઉપર ફીટ કરવામાં આવે છે. આ કેમેરામાં એક લેન્સ છે, જેને ચારેય દિશામાં ફેરવી શકાય છે. એટલે કે રેકોર્ડિંગ કોઈપણ એંગલથી કરી શકાય છે. એક કેમેરાની અંદાજિત કિંમત 25 હજાર રૂપિયા છે. કેમેરામાં ડેટા 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. આ કેમેરા GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) અને GPRS (જનરલ પોકેટ રેડિયો સર્વિસ) દ્વારા સીધા જ કંટ્રોલ રૂમ સાથે લિંક કરી શકાય છે. ત્યાં બેઠેલા અધિકારીઓ કોઈપણ સમયે દરેક જવાનની એક્ટિવિટી ઓનલાઈન જોઈ શકશે.