આઈપીએલ અત્યારે દેશના 12 અલગ-અલગ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. તમામ 10 ટીમો વચ્ચે અત્યાર સુધી પ્રથમ તબક્કાની મેચો રમાઈ ચૂકી છે. આ બધાની વચ્ચે ખેલાડીઓની સુરક્ષામાં મોટી ચૂક રહી ગયાનો ખુલાસો થયો છે. આઈપીએલ રમી રહેલી બેંગ્લોરની ટીમ જે હોટેલમાં રોકાઈ હતી એ જ હોટેલમાં ત્રણ હિસ્ટ્રિશીટરોએ પણ રૂમ બુક કરાવ્યા હતા અને ત્યાં આરામથી રહેતા હતા. જો કે પોલીસે સમયસર ત્રાટકીને ત્રણેયની ધરપકડ કરી લીધી છે.
આ કાર્યવાહી ચંદીગઢની આઈટી પાર્ક પોલીસે કરી છે. મહત્ત્વની વાત એ છે કે જે ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ ફાયરિંગ સહિત અન્ય ગંભીર કેસ નોંધાયેલા છે જેથી આ લોકો કેવા ખૂંખાર હશે તે વાતનો અંદાજ આવી જાય છે. ત્રણેયનું આઈપીએલ ટીમની હોટેલમાંથી પકડાવું એક ગંભીર વાત ગણવામાં આવી રહી છે. મોહાલીમાં 20 એપ્રિલે જ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો રમાયો હતો જેમાં બેંગ્લોર 24 રને જીત્યું હતું. આ મેચ માટે બેંગ્લોર વતી રમતાં વિરાટ કોહલી સહિત અનેક સ્ટાર ખેલાડીઓ આઈટી પાર્ક સ્થિત હોટેલમાં જ રોકાયા હતા.
જો કે પોલીસને આ હોટેલમાં હિસ્ટ્રિશીટર રોકાયા હોવાની બાતમી મળતાં જ દોડધામ મચી ગઈ હતી. આ ત્રણ હિસ્ટ્રિશીટરોમાં રોહિત, મોહિત ભારદ્વાજ અને નવીનનો સમાવેશ થાય છે. પોલીસને આશંકા હતી કે ત્રણેય પાસે ગેરકાયદેસર હથિયારો હોય શકે છે એટલા માટે ફાયરિંગ કે કશું ન થાય તે માટે પોલીસે મધરાત્રે ઓપરેશન પાર પાડ્યું હતું.






