વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ RTOને આદેશ કર્યો છે કે, યુવતીઓના નંબર રજિસ્ટર પર નોંધવા નહીં. આપને જણાવી દઈએ કે, ડ્રાઈવિંગ ટેસ્ટ સમયે ટ્રેક પર નંબર લખવામાં આવે છે. યુવતીઓની સલામતીને ધ્યાનમાં રાખી આદેશ કર્યો છે તેમજ ગઈકાલે વાહન વ્યવહાર મંત્રીએ સુરત RTOની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ અધિકારીઓ સાથે તેમજ RTO કચેરીએ આવેલા લોકો સાથે પણ ચર્ચા કરી હતી.

મંત્રી હર્ષ સંઘવી ફરી એક વખત એક્શન મોડમાં જોવા મળી રહ્યાં છે. ગઈકાલે સવારે તેઓ સુરતના પાલ RTOની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે RTO કચેરીમાં થતી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ હર્ષ સંઘવીએ RTO કચેરી ખાતે પહોંચ્યા હોવાની જાણ થતાં જ સરકારી બાબુઓ કચેરી ખાતે દોડી આવ્યા હતા. પાલ આરટીઓ ખાતે પહોચીને હર્ષ સંઘવીએ અલગ અલગ વિભાગમાં વિઝીટ કરીને સ્ટાફ સાથે વાતચીત કરી હતી. તો RTO કચેરી ખાતે લાયસન્સ, નંબર પ્લેટ સહિતના કામ અર્થે આવેલા અરજદારોની સાથે પણ ચર્ચા કરી હતી અને તેમની ફરિયાદ સાંભળી હતી. મહત્વનું છે કે, આ પહેલા હર્ષ સંઘવીએ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે જેલના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરીને ચર્ચાઓ કરી હતી.






