એક પછી એક કરીને દેશ-વિદેશમાંથી ભૂકંપના સમાચાર સતત આવી રહ્યા છે ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારે જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ અહેવાલ આવતાની સાથે જ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ડીસા અને પાલનપુરની વાત કરીએ તો અહીં વહેલી સવારે ૬.૨૯ વાગ્યે ૪.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે સદભાગ્યે તીવ્રતા ઓછી રહેવાની કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે ડીસા અને પાલનપુર સહિત આજુબાજુના કેટલાક ગામડાઓ સુધીમાં પણ આ આંચકાની અસર જોવા મળી હતી. જેના પગલે લોકો હવે તેમના ઘરમાં પણ જતા ડરી રહ્યા હતા.
નેપાળમાં દોઢ કલાકમાં બે ભારે ભૂકંપના આંચકા
નેપાળના બાજુરાના દાહાકોટમાં ગુરુવારે રાત્રે બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૮ અને ૫.૯ મપાઈ હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
નેપાળના સુરખેત જિલ્લા સિસ્મોલોજી સેન્ટરના અધિકારી રાજેશ શર્માએ જણાવ્યું હતું કે પ્રથમ ભૂકંપ રાતે ૧૧.૫૮ વાગ્યે (સ્થાનિક સમય) આવ્યો હતો જેની તીવ્રતા ૪.૯ માપવામાં આવી હતી, જ્યારે બીજો આંચકો ૫.૯ ની તીવ્રતા સાથે ૧.૩૦ વાગ્યે અનુભવાયો હતો. પોલીસે કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.





