WFI પ્રમુખ અને સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગ સાથે મહિલા કુસ્તીબાજો જંતર-મંતર પર ધરણા કરી રહ્યા છે. આજે આ પ્રદર્શનનો 7મો દિવસ છે. ગઈકાલે એટલે શુક્રવારે મોડી રાત્રે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે FIR નોંધવામાં આવી છે. પહેલી- દિલ્હી પોલીસે સગીર કુસ્તીબાજના યૌન શોષણના સંબંધમાં બ્રિજ ભૂષણ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. તે જ સમયે, બીજી FIR અન્ય 6 મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના આરોપમાં નોંધવામાં આવી છે.
FIR દાખલ થયા બાદ બ્રિજભૂષણ શરણે શુક્રવારે મોડી રાત્રે કહ્યું હતું કે ધરણાં પર બેઠેલાં રેસલર્સ મારા રાજીનામાંથી માની જશે, તો હું રાજીનામું આપી દઈશ. પરંતુ, એક ગુનેગાર બનીને નહીં. હવે તેઓ કહેશે કે તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, તેમના રાજીનામાથી શું થશે. જો આ ખેલાડીઓ વિરોધ ખતમ કરીને ઘરે પાછા જાય, પ્રેક્ટિસ શરૂ કરે, તો હું તેમને રાજીનામું મોકલી દઈશ.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ સવારે 7.45 વાગ્યે જંતર-મંતર પહોંચ્યા હતા તેમણે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સાથે વાત કરી. તેઓ લગભગ એક કલાક સુધી ધરણાંના સ્થળે રોકાયા હતી. 50 મિનિટ સુધી વાત કરી. પ્રિયંકા ગાંધીએ વિનેશના માથા પર હાથ મૂકીને તેને સાંત્વના આપી હતી. રેસલર બજરંગ પુનિયાએ સવારે આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસ હેરાન કરી રહી છે. રાત્રે ભોજન કરતી વખતે વીજળી કાપી નાખી હતી. ત્યાં ઉભેલા પાણીના ટેન્કરો પણ લઈ લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા જાહેર શૌચાલયને પણ અન્ય સ્થળે મોકલવામાં આવ્યું હતું.
કુસ્તીબાજોને મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘કોઈને ખબર નથી કે જે FIR દાખલ કરવામાં આવી છે તેમાં શું છે. શા માટે તેઓ તે બતાવતા નથી? જ્યારે આ કુસ્તીબાજો મેડલ જીતે છે ત્યારે આપણે બધા ટ્વીટ કરીએ છીએ. ગર્વ અનુભવીએ છીએ. આજે તેઓ રસ્તા પર બેઠા છે. તેમને ન્યાય મળતો નથી. આ તમામ મહિલા કુસ્તીબાજો આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરે છે અને મને સમજાતું નથી કે સરકાર બ્રિજ ભૂષણનું રક્ષણ કેમ કરી રહી છે. બ્રિજ ભૂષણ પર આવા ગંભીર આરોપો છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ રહી નથી. સરકારે તેમને પદ પરથી હટાવવા જોઈએ. તેમણે રાજીનામું આપવું જોઈએ.






