ગુજરાત હાઇકોર્ટમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. મહત્વનું છે કે, આ પહેલા સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકતી અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ ગીતા ગોપીએ ‘નોટ બિફોર મી’ એટલે કે પોતે આ અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો હતો.
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું જે બાદ CJM કોર્ટના આ ચુકાદાને તેમણે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી 3 એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ હતી. જ્યારે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી છે. આ સજાના આધારે તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું. હવે સેશન્સ કોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે માંગ્યો હતો. રાહુલ પાસે હવે બચવાનો એક જ રસ્તો બચ્યો છે. સેશન્સ કોર્ટના નિર્ણય સામે તે હાઈકોર્ટમાં જઈ શકે છે. જો હાઈકોર્ટ દ્વારા પણ તેમની અરજી ફગાવી દેવામાં આવે તો તે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.






