ભાવનગર તા.૨૯
મહુવાના માર્કેટિંગ યાર્ડ પાછળ ડુંગળી ભરેલો ટ્રક ખાલી કરાવી રહેલા વીજપડી ગામના યુવાનની તેના પાડોશી શખ્સે ગઈ કાલ બપોરના સમયે ઘર પાસે ટ્રક મુકવા બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી શખ્સે છરીનો એક ઘા ઝીંકી દઈ હત્યા કરી નાખતા મહુવા પોલીસે બે સગા ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં રહેતા ટ્રક ચાલક મુનાફભાઈ યાસીનભાઈ ચાવડા જાતે સિપાઈ અને તેના ભાઈ વારીસભાઈને તેમની બાજુમાં રહેતા ટ્રક ચાલક અફઝલ મુસાભાઇ પઠાણ સાથે ગઈ કાલે બપોરે શેરીમાં આઈશર ટ્રક રોડ વચ્ચે મુકવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે અફઝલ ધમકી આપી જતો રહ્યો હતો.આ બનાવ બાદ વારીસભાઈ અફઝલના ઘરે જઈને તેના માતા-પિતાને મળીને માફી પણ માંગી આવ્યા હતા.
આ ઘટના બાદ સાંજના સમયે મુનાફભાઈ, તેમનો ભાઈ વારીસભાઈ તથા તેમના મામા રફિકભાઈ ઈસ્માઈલભાઈ સમા ગોરડકા ગામમાંથી ડુંગળી ભરીને મહુવા માર્કેટીંગ યાર્ડ ગયા હતા અને ગત રાત્રીના સમયે માર્કેટિંગ યાર્ડની પાછળના ખેતરમાં લાઈટના અજવાળે ડુંગળી ખાલી કરતા હતા તે સમયે તેમની આગળની લાઈનમાં તેમના પાડોશી અફઝલ મુસાભાઇ પઠાણ અને તેનો ભાઈ નવાજ મુસાભાઇ પઠાણ પણ ડુંગળીનો ટ્રક ખાલી કરાવતા હતા. વારીસભાઈ અને તેના મામા રફીકભાઈ પાણી પીવા માટે થોડી દૂર ગયા તે દરમિયાન અફસલ અને નવાઝે આવીને મુનાફભાઈ સાથે ફરી ગાળા ગાળી અને ઝઘડો કરતા હોય વારીસભાઈ અને તેના મામા ત્યાં દોડી આવ્યા હતા તે દરમિયાન અફઝલે મુનાફભાઈના બંને હાથ પકડી રાખી નવાઝે પાછળના ભાગે છરીનો એક ઘા ઝીકી દેતા મુનફભાઈ બનાવ સ્થળે જ ઢળી પડ્યા હતા.અફઝલે પણ વારીસભાઈને પગના ભાગે ધોકાનો એક ઘા ઝીંકી લીધો હતો.મુનાફભાઈને લોહીલુહાણ હાલતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે વારીસભાઈએ અફઝલ અને નવાઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




