ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં માંચી ખાતે વિશ્રામ કુટીરના પથ્થરો ધરાશાયી થવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ સમગ્ર ઘટના અંગે પાવાગઢ પોલીસ મથકે અકસ્માતે મોતની ફરિયાદ નોંધાઈ છે. ગઈ કાલે જે ઢાંચો ધરાશયી થયો હતો, તે પથ્થરના સેમ્પલ લેબમાં મોકલાશે. પોલીસ દ્વારા પણ એફએસએલ અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી તપાસ કરાશે. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ઘટના અંગે તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. માર્ગ મકાન વિભાગ સહિત સંલગ્ન વિભાગો સમગ્ર મામલે તપાસ કરશે.
ગુજરાતના યાત્રાધામ પાવાગઢ ખાતે દુર્ઘટના ઘટી હતી, જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. પંચમહાલ જિલ્લાના કલેક્ટર આશિષ કુમાર દ્વારા ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળને બેરીકેટિંગ કરી પ્રવેશબંધી કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ અહેવાલ તૈયાર કરવામાં આવશે. પાવાગઢનું નવીનીકરણ કરનાર એજન્સીએ જ આ દુર્ઘટનાગ્રસ્ત સ્ટ્રક્ચર બનાવ્યુ હતું. ત્યારે નવા બનાવાયેલ તમામ સ્ટ્રક્ચરની પણ ચકાસણી કરાશે.



