કેરળના મલપ્પુરમ જિલ્લામાં મલપ્પુરમના તનુર પાસે રવિવારે મોડી સાંજે મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ છે. આ બોટમાં લગભગ 30થી વધારે લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 22 જેટલા લોકોના મોત થયા છે, પોલીસે આ અંગે જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું છે કે, દુર્ઘટના સ્થળેથી મળેલી સુચના અનુસાર બોટમાં 30થી વધારે મુસાફરો સવાર હતા, જેમાંથી 22 લોકોના મોત થયા છે, જ્યારે હજુ 9 જેટલા લોકોને નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કેરળના મંત્રી વી અબ્દુર્રહમાને જણાવ્યું કે, આ દુર્ઘટના સાંજે લગભગ 7 વાગે બની હતી. તેમણે કહ્યું કે, દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને ડૂબી ગયેલી બોટને કિનારે લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મૃતકોમાં ઘણા મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે, જેઓ શાળાના વેકેશન દરમિયાન ફરવા આવ્યા હતા. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને નિવેદન જારી કરીને મલપ્પુરમ જિલ્લા કલેક્ટરને બચાવ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો.
નિવેદનમાં જણાવાયું છે કે ફાયર, પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં સામેલ હતા. સીએમ પણ આજે ઘટનાસ્થળની મુલાકાત લેશે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, સોમવારને સત્તાવાર શોકનો દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને સાથે જ પીડિતોના સન્માનમાં તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ કેરળ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ વડાપ્રધાને અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને પીએમ રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.



