ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યૂટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ખોડિયારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરાશે. ત્રણ ગામોની 8 હજાર જેટલી ગ્રામીણ જનતાને નજીકના સ્થળે જ આરોગ્ય સારવાર-સુવિધા ઉપલબ્ધ થશે.
સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ થતાં ભવિષ્યમાં રેડિયો એક્ટિવ પદાર્થનું જ્યારે જોઈએ ત્યારે વધુ ઉત્પાદન થઇ શકશે. 1000 સ્ક્વેર મીટરમાં સાયક્લોટ્રોન બંકર અને 1000 સ્ક્વેર મીટરમાં યુટિલિટી બિલ્ડિંગનું નિર્માણ થશે. સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસિનનો પ્રોજેક્ટ દોઢથી બે વર્ષમાં પૂર્ણ થશે. ભવિષ્યમાં વર્ષે અંદાજે 16000 જેટલા દર્દીઓને કેન્સર તપાસ અને સારવારનો લાભ આપી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં મળેલી આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય ઉપરાંત આરોગ્ય સેવાઓના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.
આ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અંતર્ગત રેડિયો એક્ટિવ પદાર્થનું ઉત્પાદન કરવામાં આવશે અને તેનો ઉપયોગ યુટિલિટી બિલ્ડિંગની અંદર કેન્સરના રોગના નિદાન તેમજ સારવાર માટે થઈ શકશે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ખાતે આ પ્રોજેક્ટ શરૂ થવાથી વધુ પ્રમાણમાં ઉત્પાદન ક્ષમતા સાથે જ્યારે જોઈએ ત્યારે રેડિયો એક્ટિવ પદાર્થ મળી શકશે. એટલું જ નહીં, દર્દી-દીઠ તપાસમાં પણ ઓછો ખર્ચ આવશે. આ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અને તેની સુસંગત વ્યવસ્થા માટે 1000 સ્ક્વેર મીટર જગ્યાની જરૂરિયાત સાયક્લોટ્રોન બંકર બનાવવા તથા બેઝમેન્ટ સહિત પાંચ માળના યુટિલિટી બિલ્ડિંગ નિર્માણ માટે ૧૦૦૦ સ્ક્વેર મીટર જગ્યાની જરૂરિયાત રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમગ્ર પ્રોજેક્ટનું પ્રેઝન્ટેન્શન આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કર્યુ હતું. આ સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસિનનો પ્રોજેક્ટ અંદાજે બે વર્ષની અવધિમાં પૂર્ણ થશે. હાલની સ્થિતિએ ઈન્સ્ટિટ્યુટમાં ન્યુક્લિયર મેડિસિન વિભાગનું પોતાનું સાયક્લોટ્રોન ના હોવાને કારણે વર્ષે દિવસે લગભગ 4 હજાર જેટલા દર્દીઓને જ લાભ મળે છે. તેમણે ઉમેર્યુ કે, કેટલાક મોલેક્યુલસ એવા હોય છે, જેની લાઈફ થોડી જ મિનિટો માટે હોય છે. આવી કોઇપણ તપાસ અત્યારે આ ઇન્સ્ટીટ્યુટમાં શક્ય નથી પરંતુ સાયકલોટ્રોન પ્રોજેક્ટ અન્વયે મશીન ઉપલબ્ધ થવાથી કોઇપણ તપાસ જ્યારે પણ કરવાની હશે ત્યારે કરી શકાશે.




