સુરતમાં ધ કેરલા સ્ટોરી ફિલ્મથી પ્રભાવિત થયેલા યુવાન વિજયભાઈ ભરવાડે અનોખી પહેલ કરી છે. ફિલ્મ જોવા જવા માગતા પરિવારને તેઓ મફતમાં થિયેટર સુધી પહોંચાડી રહ્યા છે.
ધ કેરલા સ્ટોરી ફિલ્મ હાલ ચર્ચાનો વિષય છે, આ ફિલ્મથી પ્રભાવિત થયેલા શહેરના ચલથાણાના યુવક દ્વારા આ ફિલ્મ જોવા માટે જઈ રહેલા પરિવારોને મફતમાં થિયેટર સુધી પહોંચાડવાની સેવા આપવાનો નિર્ણય લીધો છે. માત્ર પોતાના વિસ્તારમાં જ નહીં પરંતુ શહેરના કોઈ પણ થિયેટરમાં આ ફિલ્મ જોવા જવાની ઈચ્છા રાખતા પરિવારોને તેઓ ફ્રી રિક્ષા સર્વિસ પૂરી પાડશે. આ માટે વિજયભાઈ ભરવાડે 2 રિક્ષાઓ મૂકી છે.
ફ્રી રિક્ષા સર્વિસ આપી રહેલા વિજયભાઈએ રિક્ષાની પાછળ પણ પોસ્ટર લગાવ્યું છે જેમાં ધ કેરલા સ્ટોરી જોવા જવાની ઈચ્છા રાખતા પરિવારોને મફતમાં સેવા પૂરી પાડવાની જાહેરાત લગાવી છે. આ રીતે ફિલ્મની સ્ટોરીથી પ્રભાવિત થયેલા લોકો દ્વારા દેશમાં ઠેક-ઠેકાણે ચા-કોફી સહિત ફ્રી નાસ્તાની પણ જાહેરાત કરવામાં આવી રહી છે.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ જઈ રહી છે અને લોકો ફિલ્મના ભારે વખાણ કરી રહ્યા છે. બીજી તરફ ફિલ્મને લઈને વિરોધ પણ થઈ રહ્યો છે અને ખોટી રીતે એક ધર્મને નિશાન બનાવવામાં આવી રહ્યો હોવાની વાત થઈ રહી છે. તો કેટલાક લોકો આ ફિલ્મ દ્વારા દેશમાં ચાલતી ખોટી પ્રવૃત્તિઓ ઉજાગર થઈ રહી હોવાનું પણ માની રહ્યા છે.




