સમગ્ર ગુજરાત કાળઝાળ ઉનાળામાં સપડાયું છે અને ડઝનથી વધુ શહેરોમાં તાપમાનમાં મોટો વધારો થતા હીટવેવ જેવી હાલત સર્જાવાને પગલે રાજયમાં માત્ર બે જ દિવસમાં વિજ ડીમાંડમાં 2000 મેગાવોટથી વધુનો વધારો થયો છે અને અત્યાર સુધીનાં રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગઈ છે. વિજતંત્રનાં સુત્રોએ કહ્યું કે છેલ્લા બે મહિનાથી વારંવાર હવામાન પલ્ટા માવઠા તથા કમોસમી વરસાદ થતો હોવાની સાથે વાદળછાયુ વાતાવરણ સર્જાતુ રહ્યું હતું.પરિણામે વિજ ડીમાંડ નોર્મલ હતી. પરંતુ છેલ્લા બે દિવસથી ઉનાળાનો ખરો પરચો દેખાવવા લાગ્યો છે.તાપમાન આકરૂ બનતા કાળઝાળ ઉનાળાને પગલે વીજ ડીમાંડ 2000 મેગાવોટ વધીને 21000 મેગાવોટને આંબી જવા સાથે રેકોર્ડ સ્તરની નજીક પહોંચી છે.
રાજયમાં ગત એપ્રિલમાં એક વખત 21600 મેગાવોટની રેકોર્ડબ્રેક વિજ ડીમાંડ નોંધાઈ હતી. રાજયમાં હજુ બે દિવસ હીટવેવની આગાહી હોવાથી રેકોર્ડ લેવલને આંબી જવાની શકયતાનો ઈન્કાર થઈ શકે તેમ નથી. ગઈકાલે બુધવારે વિજ ડીમાંડ મેગાવોટનો લેવલે પહોંચી હતી.બુધવારે રાજકોટ જેવા જીલ્લાઓમાં ઔદ્યોગીક શટડાઉન હોય છે. અન્યથા આંકડો વધુ ઉંચે જવાની શકયતા હતી. સુત્રોએ એવો દાવો કર્યો હતો કે કાળઝાળ ઉનાળામાં વિજ ડીમાંડ વધતી જ હોય છે અને તંત્ર દ્વારા આગોતરી તૈયારી રાખી જ હોય છે. હવામાન પલ્ટાને કારણે ઉનાળાનો પરચો મોડો જોવા મળ્યુ છે.વિજ ડીમાંડમાં વધુ વધારો થાય તો સપ્લાયને કોઈ આંચ ન આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
હાલ 3800 મેગાવોટ સોલાર તથા 200 મેગાવોટથી વધુ પવન ઉર્જામાંથી ઉપલબ્ધ થાય છે.બાકી પાવર સ્ટેશનોનું ઉત્પાદન છે. ઉત્પાદન ખર્ચ કરતાં માર્કેટમાંથી સસ્તી વીજળી મળે તો તે પણ ખરીદવામાં આવે છે. બાકી હજુ ખાનગી ક્ષેત્રમાંથી વિજળી ખરીદવાની જરૂર ઉભી નથી થઈ. વિજ ડીમાંડમાં વધારાની ગણતરી રાખીને હજુ વધારાની વ્યવસ્થા રાખવામાં આવી જ છે. કાળઝાળ ઉનાળામાં રહેણાંકથી માંડીને તમામે તમામ વિજ જોડાણોમાં વિજ વપરાશ વધી જતો હોય છે.રહેણાંક-ઓફીસો-દુકાનોમાં સતત પંખા, એરક્ધડીશન ચાલુ રખાતા હોય છે.રહેણાંકમાં પણ ટીમ સહીતનાં અનેક ક્ષેત્રોમાં વધુ પડતી ગરમીથી બચાવવાનાં કદમ ઉઠાવાતા હોય છે. તેવા સમયે વીજ ડીમાંડમાં વધારો સ્વાભાવીક છે. ઉનાળુ પાકમાં પણ સિંચાઈ માટે વધારાનો પુરવઠો મેળવાય છે.






