ગાંધીનગરમાં એક તરફ પોલીસ વીવીઆઇપી બંદોબસ્તમાં રોકાયેલી છે ત્યારે બીજી તરફ તસ્કરો શહેરને ધમરોળી રહ્યા છે. સેક્ટર-1માં બંધ બંગલામાં તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવીને ધીંગી ખેપ મારી છે .અહિથી તસ્કરો રૂા. 30.51 લાખ જેટલી માતબર રકમ ચોરી કરી પલાયન થઇ ગયા છે. બંગલામાં પ્રવેશ કરવા માટે તેઓએ બારીની ગ્રીલ જ તોડી નાખી હતી.સવારે જ્યારે કામવાળી બહેન બંગલા ખાતે પહોંચી ત્યારે તેમને ચોરીની જાણ થઇ હતી જે સ્થળે ચોરી થઇ છે તે બંગલો સેક્ટર-1 સી માં આવેલો છે.
અહિ પ્લોટ નંબર 314-1માં રહેતા અનુપમાબેન અમરનાથ રામચરિત્ર ગત તા. 29ના રોજ અમેરિકા ખાતે રહેતા પોતાના પુત્રને મળવા માટે વિઝીટર વિઝા પર અમેરિકા ગયા હતા. બંગલો બંધ હતો. ગઇકાલે સવારે કામવાળી બહેન ભાવનાબેનને ઉપરોક્ત બંગલામાં પ્રથમ ચોરીની જાણ થઇ હતી. તેઓએ બંગલાની બારીની ગ્રીલ તુટેલી હાલતમાં જોઇ હતી. આ મામલે અનુપમાબેનને ફોન કરવામાં આવ્યો હતો. તેઓ અમેરિકા હોય સચિવાલય શહેરી વિકાસ વિભાગમાં પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કામ કરતા પ્રશાંત મિશ્રાને આ મામલે જાણ કરી હતી. તેઓ તાત્કાલીક બહેનના ઘરે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તસ્કરોએ બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હોવાનુ જણાયુ હતું. તેઓેએ મકાન ખોલીને તપાસ કરતા બંગલાની નીચે અને પ્રથમ માળના બેડરૂમમાં રાખેલ લાકડાના કબાટમાંથી ચોરી થઇ હોવાનું જણાયુ હતું. ઘરનો તમામ સામાન અસ્તવ્યસ્ત હતો.
તસ્કરોને ઉપરોક્ત બંને કબાટમાંથી મોટા પ્રમાણમાં દલ્લો મળ્યો હતો. અહિથી તસ્કરો સોનાની 20 નંગ કાનની રીંગ, સોનાનો નેકલેસ, બંગડીઓ, સહિત રૂા. 30.50 લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા સેક્ટર-7 પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે તસ્કરોનું પગેરુ મેળવવા માટે રાબેતા મુજબ, ડોગ સ્ક્વોર્ડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લીધી હતી. આ ઉપરાંત આસપાસના મકાનોના સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોની ભાળ મેળવવા માટે તજવીજ હાથધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, અનુપમાબેનના પતિ નિવૃત્ત કોસ્ટગાર્ડ અધિકારી હોવાનું જાણવા મળ્યુ છે.
બંધ બંગલામાં ત્રાટકેલા તસ્કરોએ પાછળ કોઇ જ પુરાવો છોડયો નહતો. બંગલામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેની પણ તસ્કરોને જાણ હતી. સોનાના દાગીનાનો 30.50 લાખનો દલ્લો હાથ લાગ્યા બાદ પણ તસ્કરો પોતાના ચહેરા અને હીલચાલ કેમેરામાં કેદ ન થાય તે હેતુથી ત્રણ લગાવેલા સીસીટીવી કેમેરા તથા ડીવીઆર પણ ઉપાડી ગયા હતા.