નવી દિલ્હીઃ ભૂવનેશ્વર કુમાર એક સમયે ટૂંકા ફોર્મેટના શ્રેષ્ઠ બોલરોમાં ગણવામાં આવતો હતો. ભુવીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ બે વખત પર્પલ કેપ કબજે કરી છે. તેણે 2016 અને 2017માં આ સિદ્ધિ હાંસલ કરી હતી, પરંતુ ઉંમરની સાથે તેની ફાયરપાવર ઘટી ગઈ છે.
IPL-2023માં આ વખતે સનરાઈઝર્સ હૈદરાબાદના ખરાબ પ્રદર્શનનું મોટાભાગનું કારણ બેટ્સમેનોના તેમજ ભૂવીના નેતૃત્વ હેઠળના બોલિંગ યુનિટના નીચા સરેરાશ પ્રદર્શનને જાય છે. જો કે, સોમવારની અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ભૂવનેશ્વરે તેની જૂની ચમક મોડેથી બતાવીને પાંચ વિકેટ ઝડપી હતી. જો કે, તેના પ્રદર્શન છતાં SRHને મેચમાં 34 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
IPLમાં બીજી વખત 5 વિકેટ લીધી
ભૂવનેશ્વરે ગુજરાત સામેની મેચમાં પોતાની ચાર ઓવરમાં 30 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેના પ્રદર્શનને કારણે હાર્દિક પંડ્યાની ટીમ ઓછો સ્કોર કરી શકી હતી. મેચ દરમિયાન ભૂવીએ બે મહત્વની સિદ્ધિઓ પોતાના નામે કરી હતી. IPLમાં ભૂવનેશ્વરે બીજી વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે અને તે આવું કરનારો માત્ર ત્રીજો બોલર છે. આઈપીએલમાં આ એવું શાનદાર પ્રદર્શન છે જે અનિલ કુંબલે, હરભજન સિંહ, ઝહીર ખાન જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ કરી શક્યા નથી. ભૂવનેશ્વર પહેલા માત્ર જેમ્સ ફોકનર અને જયદેવ ઉનડકટ આ સિદ્ધિ મેળવી શક્યા છે.
ભૂવી સિવાય આ સીઝનમાં માત્ર વુડે જ 5 વિકેટ લીધી છે.
ભૂવનેશ્વરની વાત કરીએ તો અગાઉ 2017માં તેણે પંજાબ સામે 19 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. IPL-2023માં ભૂવનેશ્વર એક ઇનિંગમાં 5 વિકેટ લેનારો માત્ર બીજો બોલર છે. તેમની પહેલા 1 એપ્રિલ 2023ના રોજ લખનઉ સુપરજાયન્ટ્સના માર્ક વૂડે દિલ્હી કેપિટલ્સ સામે 14 રન આપીને 5 વિકેટ લીધી હતી. IPLની આ સીઝનમાં ભૂવનેશ્વરે અત્યાર સુધી 12 મેચમાં 25.07ની એવરેજથી 14 વિકેટ ઝડપી છે. આઈપીએલમાં પૂણે વોરિયર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂકેલા ભૂવનેશ્વરે અત્યાર સુધી 158 મેચમાં 25.72ની એવરેજથી 168 વિકેટ ઝડપી છે. તેણે એક ઇનિંગ્સમાં બે વખત ચાર અને બે વખત પાંચ વિકેટ ઝડપી છે






