મોદી કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેબિનેટમાં ફેરબદલને મંજૂરી આપી દીધી છે.
હવે કિરેન રિજિજુને કાયદા મંત્રાલયમાંથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ તરફ રિજિજુના સ્થાને અર્જુન રામ મેઘવાલને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય પ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.
રિજિજૂ અરુણાચલ પશ્ચિમ લોકસભા બેઠકથી સાંસદ છે. તેમણે વર્ષ 2004માં પહેલીવાર લોકસભા ચુંટણી લડી હતી અને જીત્યયા હતા. ત્યારબાદ તેઓ 2009ની લોકસભા ચુંટણી હાર્યા હતા. ત્યારબાદ 2014માં ફરીથી તેઓ જીત્યા અને મોદી કેબિનેટમાં તેમને ગૃહ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેઓ ખેલ મંત્રી રહ્યા અને જુલાઈ 2021માં જ્યારે મોદી કેબિનેટનું વિસ્તરણ થયું ત્યારે તેમને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તે સમયે રવિશંકર પ્રસાદને બદલે તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી.



