ભાવનગર તા.૧૯
ભાવનગરના વાઘાવાડી રોડ, વેલેન્ટાઈન સર્કલ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં સિંધી સમાજના યુવા વેપારીનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના આનંદનગર વિસ્તારમાં રહેતા અને ઘોઘાસર્કલ નજીક સ્માર્ટ લુક નામથી રેડીમેડ કપડાની દુકાન ચલાવતા રવિભાઈ પ્રભુદાસ જોબનપુત્રા ( ઉં. વ.૩૧ ) આજે સવારના સમયે તેમનું બાઇક લઈને વાઘાવાડી રોડ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે વેલેન્ટાઇન સર્કલ નજીક ડમ્પર નં.જી.જે.૧૯- વી ૨૪૭૮ સાથે અકસ્માત થતા ડમ્પરના વ્હીલ હેઠળ આવી જતા રવિભાઈનું બનાવ સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

આ બનાવના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા નિલમબાગ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને રવિભાઈના મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
સિંધી સમાજના યુવા વેપારીનું અકસ્માતે મોત થતા સિંધી સમાજમાં પણ શોકની લાગણી જોવા મળી હતી.




