કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાનિ કેસમાં 2 વર્ષની સજા ફટકારી છે જે બાદ હવે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતીઓનું અપમાન કરનારા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે સામાજિક કાર્યકરે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન મેટ્રો કોર્ટમાં ફરિયાદી સાક્ષી સહિતના તમામ પુરાવાઓ રજૂ કરશે. ફરિયાદીએ આપેલા પુરાવા બાદ કોર્ટ નોટિસ ઈશ્યૂ કરી શકે છે.
સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ તેજસ્વી યાદવે આપેલા નિવેદન મામલે મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે IPC કલમ 499, 500 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં તેજસ્વી યાદવના વિવાદીત નિવેદનના કારણે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન થયું હોવાથી તેમની વિરુદ્ધ બદનક્ષીનો કેસ ચલાવી સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.




