ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્ર બહાર પાડી સ્પષ્ટ કર્યું છે કે, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાશે.આરબીઆઈના આ નિર્ણય બાદ બુલિયન માર્કેટમાં 2016માં આવેલી નોટબંધી જેવી અફરાતફરી શરૂ થઈ ગઈ હતી. સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.5 હજારથી 10 હજાર સુધીનું પ્રીમિયમ બોલાવા લાગ્યું છે. રૂ.2 હજારની નોટમાં સોનું ખરીદવું હોય તો રૂ.70 હજારનો ભાવ થઈ ચૂક્યો છે સાથે જ ચાંદીમાં પણ પ્રીમિયમ બોલાવવા લાગ્યું અને પ્રતિ કિલોગ્રામ 80 હજારનો ભાવ થઈ ગયો છે.
શુક્રવારે પણ રૂ. 2 હજારની નોટ લઈને લોકો બજારમાં નિકળ્યા હતા.આજે દુકાને,બેંકમાં રૂ. 2 હજારની નોટ લઈને ટ્રાન્ઝેકશન થશે તેવુ અનુમાન છે. જો કે 2000ની નોટ બંધ થવાને હજુ સમય છે. પરંતુ લોકોમાં નોટબધીની જેમ ભય ફેલાઈ ગયો હતો એટલે જાહેરાત થતાની સાથે જ લોકો બજારમાં નીકળી ગયા હતા.
આરબીઆઈ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે સામાન્ય લોકોએ આ અંગે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આરબીઆઈએ ક્લીન નોટ પોલિસી અંતર્ગત આ નિર્ણય લીધો છે તેમજ આ નોટો 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકાશે. RBIએ 2016ની નોટબંધી બાદ જારી કરાયેલ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જો કે હાલ બજારમાં હાલની 2000ની નોટો ચલણમાં રહેશે. સૌથી મોટી વાત એ છે કે તમે બેંકમાં જાઓ તેમજ ધીરજથી નોટ જમા કરાવો લાઈનો ન લગાવો, કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપો.
આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે રૂપિયાનું મૂલ્ય નાબૂદ કરવામાં આવ્યું નથી. તમારા ખિસ્સામાં રહેલી 2000 રૂપિયાની નોટ હજુ પણ 2000 રૂપિયાની જ છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર દ્વારા સહી કરાયેલ વાક્ય ‘હું ધારકને રૂ. 2000 ચૂકવવાનું વચન આપું છું’. હજુ પણ માન્ય રહેશે.
ગઈકાલની જાહેરાત બાદ ફરી એક વખત નાના વેપારીઓ તથા લઘુ ઉદ્યોગો અને મધ્યમવર્ગને ફટકો પડશે. જો કે અગાઉની નોટબંધી જેવી અફડાતફડી સર્જાશે નહી. એસએમઈ ચેમ્બર્સ ઓફ કોમર્સના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રકાંત આલુંબોએ કહ્યું કે, ઉદ્યોગો અને ખાસ કરીને નાના ઉદ્યોગો માટે પરેશાનીનો કોઈ અંત જ નથી. કોરોનાની સ્થિતિમાંથી માંડ બહાર આવી રહ્યા હતા તે સમયે યુક્રેન યુદ્ધ ફુગાવો નડી ગયો અને હવે આ નોટબંધી, નાના ઉદ્યોગો પાસે રૂા.2000ની ચલણી નોટોનો વ્યવહાર હોય છે તેને હવે આ નોટો બદલવાની ચિંતા કરવી પડશે.



