લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ એકમ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ જ્યાં ઓછા માર્જિનથી હાર થઈ હતી, એવી બેઠકો પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે અને આ માટે તમામ જિલ્લાઓમાંથી ડેટા મંગાવવામાં આવ્યા છે. સંબંધિત બુથ કમિટીઓને મજબૂત કરી લોકસભામાં કેવી રીતે વધુને વધુ મત મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યારથી જન સંપર્ક અભિયાન શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.
લોકસભાની ચૂંટણી પહેલા કમલમ કાર્યાલયના સંચાલન માટે કમિટી બનાવવામાં આવી છે. કાર્યાલય સંચાલન અને પ્રવાસ અંગેની કમિટીમાં 5 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, જૂનાગઢ શહેર પ્રભારી ચંદ્રશેખર દવે, સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ, વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ, સંગઠનમંત્રી નાથુભા સરવૈયાનો સમાવેશ કરાયો છે. આ પાંચ સભ્યોની બનાવેલી કમિટીને વિવિધ જિલ્લાનો પ્રવાસ કરશે. તેઓ જિલ્લા તાલુકા અને મંડળના કાર્યપ્રણાલીની સમીક્ષા કરશે અને ભાજપને એક્ટિવ કરશે. વર્તમાન ભાજપના સંગઠનની કામગીરી અંતર્ગતની પણ સમીક્ષા કરશે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ નવો રેકોર્ડ સ્થાપિત કરવા માટે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો જીતવાની હેટ્રિક પોતાના નામે કરવા માંગે છે. આ માટે તેમણે લક્ષ્યાંક પણ રાખેલો છે. મહત્વનું છે કે, સી.આર પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. જેનું પરિણામ ભાજપને ખૂબ સારું મળ્યું હતું. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા પણ ભાજપે 33 જિલ્લાઓમાં સરકાર અને સંગઠન એમ બંનેના વડાનો વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ પ્રારંભ કર્યો છે.
સુરતમાં આજે કારોબારીની બેઠક, 8 શહેર પ્રમુખ અને મનપા હોદ્દેદારોને તેડુ
લોકસભાની તમામે તમામ 26 બેઠકો જીવવા માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત ભાજપે તૈયારી તેજ કરી દીધી છે. ગુજરાતમાં કારોબારીની ઉપરા ઉપરી બેઠકો યોજાઈ રહી છે. આજે સુરત ખાતે મહાનગરોની કારોબારીની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં 8 શહેર પ્રમુખ અને મનપા હોદ્દેદારોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. સુરત ખાતે આજે મહાનગરોની કારોબારાની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ભાવનગરના મનપાના હોદ્દેદારો અને 8 શહેર પ્રમુખ હાજરી આપશે. આ બેઠકમાં આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીના મુદ્દાઓ પર ચર્ચા થશે.
ગઈકાલે ગાંધીનગર કમલમ ખાતે રાજકોટ કારોબારીની બેઠક યોજાઈ હતી. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી અંતર્ગત યોજાનારા અનેકવિધ કાર્યક્રમો અંગેના રોડમેપ વિશે વિસ્તૃત માર્ગદર્શનન આપ્યું હતું.




