શહેરના ભરતનગર ચોકડી, લાલાબાપા ચોકમાં નવ વર્ષ પૂર્વે નાસ્તાની લારીએ રાત્રિના સમયે બોલાચાલી બાદ બે શખ્સોએ એક વ્યક્તિને છરીના ઘા ઝીંકી ઇજા કર્યાંના બનાવનો કેસ ભાવનગરની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા ડિસ્ટ્રીક્ટ જજ એલ.એસ. પીરઝાદાએ બન્ને શખ્સોને કસુરવાર ઠેરવી સાત વર્ષની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સરદારનગર ૫૦ વારિયા પ્લોટ નં.૨૧૧માં રહેતા હાર્દિક ઉર્ફે ભોલુ બળવંતભાઇ સોલંકી (ઉ.વ.૨૬) તથા પ્લોટ નં.૧૮૬-બીમાં રહેતા વિક્રમ માણસુરભાઇ બલીયા (ઉ.વ.૩૨) ગત તા.૧૨-૬-૨૦૧૪ના રોજ રાત્રિના ૧૧.૧૫ કલાકે ભરતનગર ચોકડી લાલાબાપા ચોકમાં આવેલ બહાદુર નંદબહાદુરની ઇંડાની લારીએ નાસ્તો કરવા ગયેલ જ્યાં ભરતભાઇ જીણાભાઇ તથા નારણભાઇ શામજીભાઇ સાથે જમવાનું બનાવી આપવાનું કહી ઝઘડો કરી બોલાચાલી કરેલ અને ઉશ્કેરાઇ જઇ હાર્દિક ઉર્ફે ભોલુએ ભરત જીણાભાઇને પકડી રાખી વિક્રમ બલીયાએ સ્કુટરની ડીકીમાંથી છરી કાઢી પેટ અને માથાના ભાગે છરીના ઘા ઝીંકી મારામારીના ગુનામાં
ઇજા કરી નાસી ગયેલ. આ બનાવ અંગે રમેશભાઇ ઉર્ફે ખાનભાઇ નાથાભાઇ ચૌહાણે ભરતનગર પો.સ્ટે.માં બન્ને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૦૭, ૩૨૪, ૧૧૪ મુજબ ગુનો નોંધી બન્ને ઝડપી લીધેલ. આ બનાવ અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજભાઇ જાેષીની દલીલો, આધાર-પુરાવા, સાક્ષીને ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ એલ.એસ. પીરઝાદાએ બન્ને શખ્સોને કસુરવાર ઠેરવી સાત વર્ષની જેલની સજા તેમજ રોકડ દંડ ફટકાર્યો હતો.




