છત્તીસગઢના કાંકેર જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીંના શિવનગરના એક અનાથાલયમાં બાળકો સાથે જે ક્રૂરતા કરવામાં આવી રહી છે તે જોઈને સૌનું દિલ દ્રવી જશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અનાથાલય મેનેજર બાળકોને બેરહેમીથી માર મારી રહ્યા છે. વીડિયોમાં મેનેજર એક છોકરીના વાળ પકડીને જમીન પર ફેંકતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયો સામે આવતા જ પોલીસે આરોપી મહિલા સામે કેસ નોંધી લીધો છે.કાંકેર જિલ્લાના શિવનગરમાં અનાથાલય ચાલી રહ્યું છે. જેમાં 0 થી 6 વર્ષના અનાથ બાળકોને રાખવામાં આવે છે. અહીં મેનેજરનું નામ સીમા દ્વિવેદી છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સીમા કેવી રીતે બાળકને માર મારી રહી છે. તે બાળકને વાળથી ઉપાડે છે અને તેને જમીન પર ફેંકી દે છે. ત્યારબાદ તે વાળથી બાળકને ઉપાડી લે છે અને આ વખતે બેડ પર ફેંકી દે છે. આ સમય દરમિયાન બાળકી ચીસો પાડતી રહે છે પરંતુ તેને જરા પણ દયા આવતી નથી. નવાઈની વાત તો એ છે કે આ ઘટના દરમિયાન બે નોકરાણીઓ ત્યાંથી પસાર થાય છે, પરંતુ બાળકીને બચાવવા એકેય આગળ નહોતી આવી.