વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના રાજકીય પ્રવાસને યાદગાર બનાવવા માટે બંને દેશનાં વિદેશ અને સંરક્ષણ મંત્રાલયોની ટીમ કામે લાગી છે. ન્યૂયૉર્કમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લઈને સમગ્ર વિશ્વની આગેવાની કરવાની સાથેસાથે અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવાના પ્રસંગો ઉપરાંત વ્યૂહાત્મક દૃષ્ટિએ વડાપ્રધાન મોદીની યાત્રા આગામી 5 દાયકા સુધી યાદગાર રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આ માટે સંરક્ષણ ક્ષેત્રે નક્કર પગલાં લેવાય એવી તૈયારી છે.
યાત્રામાં ભારતમાં 350 ફાઇટર જેટ એન્જિન બનાવવાનો રણનીતિની દૃષ્ટિએ મોટો સોદા પણ થઈ શકે છે. અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિક (જીઈ) અને હિન્દુસ્તાન ઍરોનોટિક્સ વચ્ચે સમજૂતી કરાર પર 22-23 જૂને હસ્તાક્ષર થાય તેવી શક્યતા છે. આ અંગેની ઔપચારિક જાહેરાત પણ બાકી છે. આ સોદો ભારતીય ફાઇટર કાર્યક્રમ માટે મહત્ત્વનો છે. સ્વદેશી લાઇટ કોમ્બેટ ઍરક્રાફ્ટ તેજસમાં ઓછી શક્તિવાળું જીઈ એન્જિન હોય છે.
પહેલાં 83 તેજસમાં આ જ એન્જિન હતાં. માર્ક-2 અને પાંચમી પેઢીના સ્વદેશી ફાઇટર એમકામાં જીઈ-414 એન્જિન હશે. 1963 પછીથી ઉપયોગમાં લેવાતાં રશિયન મિગ આગામી ત્રણ વર્ષમાં નિવૃત્ત થશે. બાદમાં અમેરિકન એન્જિનથી સજ્જ યુદ્ધવિમાન તૈયાર થશે. બીજી તરફ તેજસમાં જીઈ એન્જિનનો રેકોર્ડ ભરોસાપાત્ર છે. 2001ની પહેલી ઉડાન પછીથી એન્જિન ફેલ જવાની એક પણ ઘટના બની નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન જ 30 એમક્યુ-9 બી સશસ્ત્ર ડ્રોન ખરીદવાનો સોદો થવાની પણ શક્યતા છે. આ સોદો લગભગ 22 હજાર કરોડ રૂપિયાનો હોઈ શકે છે. આવાં 10 ડ્રોન ત્રણેય સેનાને મળશે. અંદાજે 2 ટન જેટલો સૈન્ય સરંજામ લઈ જવામાં સક્ષમ આ ડ્રોન 48 કલાક સુધી સતત ઊડીને 6,000 કિમી સુધીની રેન્જમાં ઓપરેશન કરી શકે છે. સેન્સર અને લેઝર ગાઇડેડ બૉમ્બથી સજ્જ આ ડ્રોનમાં હવામાંથી ધરતી પર હુમલો કરનારી મિસાઇલ પણ સામેલ હોય છે. { અમેરિકાના ત્રણેય રાષ્ટ્રપતિઓ બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેનના મહેમાન થનારા મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે.