ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોનું આંદોલન ચાલુ રહ્યું છે. બ્રિજ ભૂષણ વિરુદ્ધ યૌન શોષણનો આરોપ છે અને મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર દિલ્હી પોલીસમાં તેમની વિરુદ્ધ બે FIR પણ નોંધવામાં આવી છે. કુસ્તીબાજો બ્રિજ ભૂષણની ધરપકડની માંગ કરી રહ્યા છે, પરંતુ ધરણાના એક મહિનાથી વધુ સમય પછી પણ આવું થયું નથી.
આ મામલે ફરી એકવાર વળાંક આવ્યો જ્યારે મંગળવારે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ફરી એકવાર કુસ્તીબાજોને વાતચીત માટે ખુલ્લો આમંત્રણ આપ્યું. અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને લખ્યું કે, સરકાર કુસ્તીબાજો સાથે વાતચીત માટે તૈયાર છે. મેં આ માટે ફરી એકવાર કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું છે.
અગાઉ ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ મીડિયાને માહિતી આપી હતી કે કુસ્તીબાજો અને તેમના કોચની શનિવારે (3 જૂન) રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત થઈ હતી. પુનિયાએ કહ્યું હતું કે ગૃહમંત્રીએ આ મુદ્દો ઉકેલવાની ખાતરી આપી છે. તેમજ સોમવાર 5 જૂનના રોજ સમાચાર આવ્યા હતા કે રેસલર રેલવેમાં તેમની નોકરી પર પાછા ફર્યા છે. જેના પર ટોચના કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે ટ્વીટ કરી આ વાતને રદિયો આપ્યો હતો.