આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને-સામને હશે. આ મેચ બપોરે ત્રણ વાગ્યાથી લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે. ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચી છે. જોકે પહેલી વખત તેને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાઈ હતી. જેને કીવી ટીમે જીતી હતી. આ વખતે ટ્રોફી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે છે. છેલ્લા 10 વર્ષથી ટીમ ઈન્ડિયાએ કોઈ પણ આઈસીસી ટૂર્નામેન્ટ નથી જીતી. છેલ્લી વખત મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2013 ચેમ્પિયન ટ્રોફી પર કબજો કર્યો હતો. તેના બાદથી ભારતીય ટીમ આઈસીસી ટૂર્નામેન્ટને જીતવા માટે તરસી રહી છે.
ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને મ્હાત આપી હતી. એવામાં આજે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 10 વર્ષના દુષ્કાળને ખતમ કરવાના ઈરાદાથી મેદાન પર ઉતરશે. વરસાદને ધ્યાનમાં રાખતા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જોકે રિઝર્વ ડેનો ઉપયોગ ત્યારે થશે જ્યારે કોઈ દિવસ વરસાદના કારણે મેચ ન રમાઈ શકે.