ગુજરાતમાં મે-2023 સુધીમાં 5 લાખ, 37 હજાર ખેડુતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. રાજય સરકાર દ્વારા ખેડુતોને ઘર આંગણે જઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજયપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, આ ખરીફ સીઝનમાં વધુને વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવું આહવાન કર્યુ હતું.
પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રયત્નશીલ રાજયપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં આયોજીત સમીક્ષા બેઠકમાં કૃષિ વિભાગ અને આત્માના અધિકારીઓ સાથે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજયપાલે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય અનિવાર્ય છે. આ માટે ચાર-પાંચ ખેડુતો ભેગા થઈને ગાય રાખે.
ઉલ્લેખનીય છે કે, મે-2023થી સમગ્ર રાજયમાં 10-10 ગામોના કલસ્ટર્સ બનાવીને ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા નિષ્ણાંત ખેડૂતો દ્વારા જ ઘરઆંગણે તાલીમ આપવામાં આવી રહી છે. માત્ર મે મહિનામાં જ આ રીતે 4 લાખ, 26 હજાર ખેડુતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ લીધી છે. અત્યાર સુધીમાં રાજયમાં 17 લાખ, 71 હજાર ખેડુતોને રાજય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી છે.
સણોસરા-ભાવનગર, ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા ગાંધીનગર, દેથલી-ખેડા અને અંભેટી-વલસાડ અને મુન્દ્રા-કચ્છના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવા માટે કિસાન માસ્ટર ટ્રેનર અને કૃષિ વિભાગ- આત્માના ટેકનીકલ માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવામાં આવી રહી છે. મે-2023 સુધીમાં 16274 કિસાન અને ટેકનીકલ માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવામાં આવી છે.