કર્ણાટક સુધી પરિણામના આંચકાને પચાવીને ભાજપે હવે 2024ની લોકસભાની ચૂંટણી તથા તે પુર્વે યોજાનારી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, તેલંગાણા અને મીઝોરામની ધારાસભા ચૂંટણી પર હવે તેનું ધ્યાન કેન્દ્રીત કર્યુ છે અને તેમાં એક તરફ ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં થોડા ફેરફારો અને ખાસ કરીને ગુજરાત તથા મહારાષ્ટ્રના પ્રદેશ સંગઠનોમાં ફેરફાર તથા સ્થાનિક કક્ષાના કેટલાક નેતાઓને ચૂંટણીમાં જઈ રહેલા રાજયોમાં તથા કેન્દ્રીય સ્તરે પણ કેટલીક જવાબદારી સોંપાય તેવા સંકેત છે.
દિલ્હીમાં ગઈકાલે ભાજપના વરિષ્ઠ નેતા તથા ચૂંટણી ચાણકય ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડા ઉપરાંત સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ સહિતના ચારથી પાંચ ટોચના નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. તે તબકકાની આ મેરેથોન બેઠક 10 કલાક ચાલુ હતી. જેમાં પાંચ રાજયોની ધારાસભા ચૂંટણી તથા સંગઠનમાં ફેરફાર મુખ્ય એજન્ડા હતો અને હવે બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે. જેમાં હવે પક્ષના મહાસચિવોમાં અને કેટલાક રાજયોના પ્રભારીઓ તથા પ્રદેશ પ્રમુખો બદલાશે. જે રાજયમાં હાલ ચૂંટણી થવાની છે ત્યાં સ્થિતિ યથાવત રખાશે.
આ બેઠકમાં તરૂણ ચૂગ, વિનોદ તાવડે, સુનિલ બંસલને પણ ચોકકસ ટાસ્ક સોપાયા છે. ખાસ કરીને તેમાં ભાજપ થોડો ‘નબળો’ છે ત્યાં ખાસ જવાબદારી સોપાઈ છે. બીજી મહત્વનો મુદે નવા સાથી પક્ષો શોધવા અને તેઓને યોગ્ય રીતે મેનેજ કરવાનો હતો. ભાજપને પંજાબમાં ખાસ કરીને ફરી અકાલીની જરૂર છે તે નિશ્ર્ચિત થયું છે. જે વિપક્ષના ખાતામાં લોકસભાની વધુ બેઠકો જતી અટકાવી શકે છે. જો કે વર્તમાન રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાનો કાર્યક્રમ જૂન 2024 સુધી લંબાવાયો છે તેથી રાષ્ટ્રીય સંગઠનમાં એવા ધરમૂળથી ફેરફાર નહી થાય કે નવા રાષ્ટ્રીય પ્રમુખ માટે કોઈ તક જ રહે નહી.
ભાજપ હવે કર્ણાટકની માફક ફકત એક જ સ્થાનિક નેતા પર ભરોસો રખાશે નહી પણ નેતૃત્વની ગેલેકસી સર્જીને રાજયના દરેક ક્ષેત્રને પૂરતું મહત્વ આપી રહ્યુ છે તે જોવાશે. જૂનના આખરી ચાર દિવસ ભાજપ દેશભરમાં અનેક મહત્વના કાર્ય યોજશે એ જુલાઈથી પુરી રીતે ઈલેકશન મોડમાં ચાલ્યો જશે. ઉપરાંત ઈલેકશન-મેનેજમેન્ટમાં જેઓ નિષ્રાંત છે તેમની પરદા પાછળની કામગીરી પણ મજબૂત બનાવાયા અને સતત ફીડબેક મળતા રહે તે જોવાશે જેથી વ્યુહરચનામાં ફેરફાર કરવો હોય તો તેનો તુર્તજ નિર્ણય લઈ શકાશે.