ગુજરાતમાં ફરી એકવાર રાજ્યમાં આતંકવાદી સંગઠન ISIS મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું જેના બાદ પોરબંદરથી એક મહિલા સહિત ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ચારેય આતંકી સંગઠન ISIS ના સભ્યો હતા.
ગુપ્ત માહિતીના આધારે ગુજરાત એટીએસએ પોરબંદરમાં આ ઓપરેશન પાર પાડ્યુ. પોરબંદરમાં શુક્રવાર સવારથી ATSની ટીમ પહોંચી હતી. જેમાં ATSના ઇન્સ્પેકટર જનરલ દીપન ભદ્રન પણ સામેલ હતા. વહેલી સવારે ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ નેટવર્ક ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હોવાનું બાતમી મળી છે. ચારેય લોકો ISISના સક્રિય ગ્રૂપ મેમ્બર હતા. છાપામારી દરમિયાન અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. ચારેય ISISમાં જોડાઈને ભાગવની ફિરાકમાં હતા. ગત એક વર્ષથી તમામ લોકો એકબીજાના સંપર્કમાં હતા અને સીમાપારના તેમના આકાઓના ઈશારાઓ પર રેડિકલાઈઝ થયા હતા.
ડીઆઈજી દીપેન ભદ્રન અને એસપી સુનિલ જોશીની આગેવાનીમાં મોડી રાતથી પોરબંદરમાં ઓપરેશન ચાલી રહ્યુ હતું. ગત કેટલાક સમયથી એટીએસને ઈનપુટ મળ્યા હતા, જેના બાદ તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરાયા હતા. તમામ પર લાંબા સમયથી નજર રાખવામા આવી રહી હતી. એટીએસ દ્વારા પોલીસની મદદથી સુમેરા નામની મહિલાની સુરતથી અટકાયત કરવામાં આવી છે. આ મહિલાને પોરબંદર લઈ જવાઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ મહિલાના દક્ષિણ ભારતમાં લગ્ન થયા છે. મહિલાના પરિવારના એક સભ્ય સરકારી કર્મચારી છે. ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા અન્ય 3 ની અટકાયત કરાઈ હતી. ત્રણેયની પૂછપરછમાં મહિલાના નામનો ખુલાસો થયો હતો. સુરતની આ મહિલા પાસેથી ચાર મોબાઇલ પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.




