દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું હતું, પરંતુ આ વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલાવતા ગુજરાતવાસીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. સમુદ્રમાં બિપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.
આ ચક્રવાત બિપરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે બિપરજોય વાવાઝોડાને લઈ વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. જેમાં આ વાવાઝોડું ક્યારેક પૂર્વ તો ક્યારેક પશ્ચિમ તરફ જાય છે. હવે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 15 જૂને વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરશે. અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપરજોય નલિયા અને માંડવી આસપાસ લેન્ડફોલ કરશે.



