રાજ્ય સરકાર સતર્ક બન્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દરિયા કિનારાના જિલ્લાઓમાં વહિવટીતંત્ર દ્વારા તકેદારીના ભાગરુપે અસંખ્ય પગલાં લેવાયા છે અને લોકોનું સ્થળાંતર પણ કરાવાઇ રહ્યું છે. બચાવ અને રાહતકાર્ય માટે એનડીઆરએફ તથા એસડીઆરએફ તથા ફાયર બ્રિગેડની પણ મદદ લેવાશે અને જરુર પડ્યે નેવી અને આર્મીની પણ મદદ લેવાશે.
9 મંત્રીઓને જિલ્લા વહીવટીતંત્રએ કરેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજન કામગીરીમાં માર્ગદર્શન આપવા અને મદદરૂપ થવા જિલ્લાઓની જવાબદારી પણ મુખ્યમંત્રીએ સોંપી છે. કચ્છ માટે ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા, મોરબી- કનુભાઈ દેસાઈ, રાજકોટ- રાઘવજી પટેલ, પોરબંદર- કુંવરજી બાવળીયા, જામનગર- મુળુભાઈ બેરા, દ્વારકા- હર્ષ સંઘવી, જુનાગઢ- જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટેની પરષોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ મંત્રીઓ તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચી જઈ ત્રણ દિવસ ત્યાં જ રોકાણ કરીને તંત્રને માર્ગદર્શન આપશે.
મુખ્યમંત્રી ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ યોજીને દરિયાઈ વિસ્તારના જિલ્લાઓના કલેકટરો પાસેથી તેમના જિલ્લામાં કરાયેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજનની વિગતો જાણી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકોને ઓછામાં ઓછી અગવડ પડે તેમજ સલામતી જળવાઈ રહે તે રીતે આપત્તિ વ્યવસ્થાપન માટેના દિશા-નિર્દેશો આપ્યા હતા.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સમગ્ર મામલાનો તાળ મેળવ્યો હતો.હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. સસ્તા અનાજની દુકાન પર દરેક નાગરિકને અનાજનો પુરવઠો મળી રહે તે માટે આગોતરું આયોજન કરી દીધું છે. જે બાદ હર્ષ સંઘવીએ યાત્રાળુઓને 16 સુધી દ્વારકાના પ્રવાસે ન આવવાની આપીલ કરી હતી. સાથે જ નાગરિકોને સહયોગ આપવાની અપીલ કરી હતી.



