ગુજરાત ATS દ્વારા ભારતમાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સંગઠનના સક્રિય સભ્યોને પકડીને ISISના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ATSની આ સફળતાએ એક આંતરરાષ્ટ્રીય આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને 4 આતંકીઓને ઝડપી પાડ્યા છે. ATSના સૂત્રોના કહેવા પ્રમાણે આતંકી સંગઠનના ભારતના હેન્ડલર ઝુબેર અહેમદ મુનશી કટ્ટરવાદી માનસિકતાના આધારે યુવાનોને સોફ્ટ ટાર્ગેટ બનાવતો હતો અને અફઘાનિસ્તાનના એક હેન્ડલરની મદદથી આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યો હતો.
ATSના સૂત્રોના કહેવા પ્રમાણે પોરબંદરથી પકડાયેલા ત્રણેય શખ્સો અને ઝુબેર અહેમદ મુનસીએ પોતાના મોબાઇલમાં ISKPને સમર્થનના શપથ લેતા વીડિયો અને ફોટા તૈયાર કર્યા હતા અને એક ઇમેઇલ આઇડીમાં તેને અપલોડ કર્યા હતા. આવી જ રીતે સુરતની સુમેરાબાનુએ પણ શપથ લેતા હોવાના ફોટા વીડિયો તૈયાર કર્યા હતા. કાશ્મીરમાં રહેતા તેના હેન્ડલર ઝુબેર અહેમદ મુનશીએ તેઓને પોરબંદરથી ઇરાન થઇને અફઘાનિસ્તાન જવા માટેનો એક માસ્ટર પ્લાન આપ્યો હતો અને તેઓ સુરતની ઝુબેરાબાનુ સાથે મળીને અફઘાનિસ્તાનમાં આતંકી હુમલો કરીને તેના આતંકી સંગઠન ISKPના દુનિયાભરમાં દહેશત ફેલાવવા માંગતા હતા. જોકે, તેઓનો પ્લાન સફળ થાય તે પહેલા જ તેઓ ગુજરાત ATSના હાથે લાગી ગયા હતા.
ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ એક આતંકી સંગઠન છે અને ISISનું જ એક મોડ્યુલ છે. જે સાઉથ એશિયા અને મધ્ય એશિયાના દેશોમાં ઈસ્લામિક સ્ટેટના મીલીટન્ટ ગ્રુપ તરીકે ઓળખાય છે. તેમજ તે ખુરાસન તરીકે પણ ઓળખાય છે. જે એક સલ્ફી જીહાદીસ્ત આતંકવાદી જુથ છે. આ જુથનો મૂળ હેતુ વહાબી સુન્ની ઇસ્લામના સિદ્ધાંતો મુજબ ભારત સહિત વિશ્વમાં ઈસ્લામિક ખિલાફત સ્થાપવાનો છે. આ આતંકી સંગઠન અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તઝાકિસ્તાન, ઉદ્બેકિસ્તાન વગેરે દેશોમાં સક્રિય છે. તાલિબાનીઓ વિરુદ્ધનું આ એક ઉગ્રવાદી સંગઠન છે.




