અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ અતિપ્રચંડ બની શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે, ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે. પોરબંદર, જામનગર, ઓખા, સલાયા, મુન્દ્રા, માંડવી અને જખૌ પોર્ટ પર નવ નંબરનું અતિભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. ગઈકાલે જૂનાગઢના માંગરોળના દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. ભારે તોફાનના કારણે દરિયાકાંઠા પરના પથ્થરો ઉછળીને બહાર આવ્યા હતા અને માછીમારોના દંગામાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. તો યાત્રાધામ હર્ષદમાં પણ બજારમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા.
પોરબંદર પોર્ટ પર ભયાનક 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલ બંદર વિસ્તાર તરફ વાવાઝોડું આવતું હોવાનું સૂચવે છે, પોરબંદર જિલ્લામાં લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ‘બિપરજોય’ વાવાઝોડાંને પગલે ગઈકાલે પોરબંદરના વાતવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ થોડીવાર માટે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. NDRFની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
જાફરાબાદ સહિતના દરિયામાં હાલ ભારે કરંટ
અમરેલી જિલ્લાના જાફરાબાદ સહિતના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયો ગાંડોતૂર થયો છે. જાફરાબાદના કિનારે 20 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જેથી દરિયા કિનારે વસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો બીજી તરફ ‘બિપોરજોય’ વાવાઝોડાંની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આવા સમયે હવે પ્રાર્થનાઓનો દોર શરૂ થયો છે. ધારાસભ્ય હિરા સોલંકીએ માછીમાર આગેવાનો સાથે દરિયા દેવને શાંત કરવા માટે વિધીવત પૂજા કરી હતી..
લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થાનાંતર કરવાની તૈયારી શરૂ
વાવાઝોડાંના પગલે માંડવી અને અબડાસાના કાંઠાળ પટ્ટીના 67 ગામોના 8300 લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થાનાંતર કરવાની તૈયારી હાલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આશ્રિત લોકો માટે માંડવી તાલુકાના મેરાઉ ગામે 2000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સેવ બૂંદી અને ગાંઠિયાનો નાસ્તો પેક કરી મામતદાર કચેરી ખાતે આપવામાં આવશે. ગામનાં કાંતિલાલ રાજગોર દ્વારા વિનામૂલ્યે વાનગી બનાવી દેવામાં આવી હોવાનું કરછ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંચાલક અરવિંદ જોશીએ કહ્યું હતું.




