મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ સચિવોની સીએમએ તાકીદની બેઠક યોજી અને 14 અને 15 જૂન દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી સામે દરિયાઈ વિસ્તારના આઠ જિલ્લાઓની સજ્જતા અંગે મુખ્યમંત્રીએ વિગતો મેળવી. એન.ડી.આર.એફ.ની 21 તથા એસ.ડી.આર.એફ.ની 13 ટીમો તૈનાત કરાઈ. માર્ગ અને મકાન વિભાગની 95 ટીમો, ઊર્જા વિભાગની 577 ટીમો સંભવિત આપત્તિમાં માર્ગ પરની આડશો, દુરસ્તીકામ તથા વીજપુરવઠાની વિપરિત અસરો સામે પુનઃસ્થાપન માટે સજ્જ છે. દરિયાઈ વિસ્તારના 8 જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારો, દરિયાકિનારાથી 0થી 10 કિલોમીટર સુધીનાં ગામો તથા વૃદ્ધો બાળકોનું જરૂર-જણાયે સલામત સ્થળે સ્થળાંતરની ત્વરિત વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.



