ગુજરાત પર વિકરાળ બની રહેલા બિપોરજોય વાવાઝોડાને લઈને તોળાઈ રહેલા ખતરા પર હવામાન વિભાગ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત એલર્ટ મોડ પર છે. આવામાં હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, વાવાઝોડું દેશના મેદાની વિસ્તારોમાં ચોમાસાના આગમનમાં વિલંબ લાવી શકે છે. સાથે જ વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે તો વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટ પણ જણાવ્યું છે કે, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં છ જુલાઈ સુધી દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
સ્કાયમેટ વેધરે જણાવ્યું હતું કે, આ વર્ષે ભારતના મેદાની પ્રદેશોમાં વરસાદ માટે તરસવું પડે તેવી સંભાનવા છે. ગતરોજ એજન્સીએ જણાવ્યું હતું કે, એક્સટેન્ડેડ રેન્જ પ્રિડિક્શન સિસ્ટમ આગામી ચાર અઠવાડિયા માટે 6 જુલાઈ સુધી નિરાશાજનક અંદાજ રજૂ કરી રહી છે. તેમના મતે આ સિઝનમાં કૃષિનો ગઢ સૂકો રહેવાની સંભાવના છે, જ્યારે વાવણી કરવા માટે આ નિર્ણાયક સમય છે. ભારતના મધ્ય અને પશ્ચિમ ભાગો જે ચોમાસાના મુખ્ય ક્ષેત્રમાં છે, તેઓને સિઝનની શરૂઆતમાં અપૂરતા વરસાદને કારણે દુષ્કાળની અસરોનો સામનો કરવો પડી શકે છે.
મહત્વનું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂનની સામાન્ય તારીખના એક અઠવાડિયા પછી 8 જૂને કેરળ પહોંચ્યું હતું. અરબી સમુદ્રમાં ચક્રવાત બિપોરજોય કે જેણે અગાઉ કેરળમાં ચોમાસાની શરૂઆત કરવામાં વિલંબ કર્યો હતો તે હવે વરસાદી પ્રણાલીની પ્રગતિને અવરોધે છે.




