મુખ્યમંત્રીએ શુક્રવારે સાંજે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે વાવાઝોડાંને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા મુખ્ય સચિવશ્રી રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.આ બેઠકમા તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં વીજપુરવઠો, પાણી, રોડ-રસ્તા પૂર્વવત કરવા તેમ જ ઝાડ-વૃક્ષો પડી જવાને કારણે માર્ગો પર થયેલો આડશો દૂર કરવા પણ તાકીદ કરી હતી.
ઉપરાંત અસરગ્રસ્ત લોકોને નિયમાનુસારની કેશડોલ્સ આગામી ત્રણ દિવસમાં ચૂકવી આપવાની સ્પષ્ટ સૂચનાઓ આપી.એટલું જ નહીં, પશુઓના મૃત્યુના કિસ્સામાં નિયમાનુસાર સહાય સમયસર ચૂકવાઈ જાય અને અન્ય નુકસાનીનો સર્વે ત્વરાએ શરૂ થાય તેવી સૂચનાઓ આ બેઠકમાં આપવામાં આવી હતી.સાથે જ કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓને થયેલા નુકસાનનો સર્વે ઝડપથી કરવા પર ભાર મુક્યો હતો.



