જૂનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી અને પાંચ દિવસમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું એને લઈ મોડી રાત્રે લઘુમતી સમાજના લોકોનાં ટોળાં એકત્રિત થયાં હતાં, જ્યાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થઈ હતી. એમાં પથ્થરમારો થતાં પોલીસ દ્વારા ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા પીએસઆઇ મારુ તેમજ અન્ય પોલીસકર્મીઓને ઈજા થઈ હતી. આ અથડામણમાં એક વ્યક્તિનું પણ મોત હોવાનું સામે આવ્યું છે. હાલમાં જૂનાગઢ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જે લોકો પથ્થરમારો કરવામાં સામેલ હતા તેમને પકડવામાં આવ્યા છે અને શહેરના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ થઈ રહ્યું છે.
એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે મજેવડી ગેટ પાસે ગેબનશા પીરની દરગાહને લઇ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નોટિસ લગાવવામાં આવી હતી અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા બે નોટિસ લગાવવામાં આવી હતી, જેને લઇ મુસ્લિમ સમાજ એકઠો થયો હતો, જેમાં 500થી 600 લોકો એકત્રિત થયા હતા. એને લઇ કોઈપણ પ્રકારનો પણ બનાવ ન બને એ માટે ડીએસપી સહિતનો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે પોલીસ અને એકત્રિત થયેલા માણસો વચ્ચે સમજૂતીની એક કલાક સુધી વાત ચાલી હતી, ત્યારે જે લોકોએ રોડ બંધ કરવા માટે તૈયારી બતાવી હતી એને લઈ પોલીસ દ્વારા આ લોકોને રોકવામાં આવ્યા હતા.
ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસની એક બાઇકની પેટ્રોલની ટાંકીમાં દીવાસળી ચાપીને સળગાવવામાં આવી હતી. જ્યારે અહીંથી પસાર થતી જૂનાગઢ-વિજયનગર એસટી બસને રોકી હતી અને એમાં તોડફોડ કરી હતી અને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત બેકાબૂ બનેલા ટોળાએ મજેવડી ગેટ પાસે આવેલી મજેવડી પોલીસચોકી ઉપર હુમલો કર્યો હતો અને એમાં પણ તોડફોડ કરી હતી. પોલીસ અને એકત્રિત થયેલા લોકો સામસામે આવી ગયાં હતાં, જેમાં જૂનાગઢ ડીએસપી તેમજ બીજા પોલીસકર્મીઓને ઈજા થઈ હતી.
મોટી માત્રામાં પથ્થરો ક્યાંથી આવ્યા?
પોલીસે 174 લોકોને રાઉન્ડ ઓફ કર્યા છે અને હજી પણ પોલીસ કોમ્બિંગ સતત ચાલુ છે. આ ઘટના પૂર્વઆયોજિત હતી કે અચાનક બનેલી ઘટના હતી એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. આટલી મોટી માત્રામાં પથ્થરો ક્યાંથી આવ્યા એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં જૂનાગઢ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જે લોકો પથ્થરમારો કરવામાં સામેલ હતા તેમને પકડવામાં આવ્યા છે અને શહેરના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ થઈ રહ્યું છે.


