ગુજરાત કોંગ્રેસના 34માં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બન્યા છે. તેમણે આજે સત્તાવાર રીતે ગુજરાત કોંગ્રેસનો ચાર્જ સંભાળ્યો છે તેમજ ભૂદેવોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શક્તિસિંહ ગોહિલે પદભાર સંભાળ્યો છે. શક્તિસિંહના પદભાર સમારંભમાં ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા.આ દરમિયાન તેમણે કહ્યું કે, અમે 2024 લોકસભાની રણનીતિ બનાવી રહ્યા છે. CR પાટિલના દાવાનો શક્તિસિંહે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, 26 માંથી 26 બેઠક 5 લાખની લીડથી જીતવીએ ભાજપનો અહંકાર છે. તેમણે કહ્યું કે, જે કોંગ્રેસમાંથી ગયા છે તે પણ પરત આવશે. વધુમાં તેમણે કહ્યું કે, મને પ્રમુખ બનાવવો એ હાઇકમાન્ડનો નિર્ણય છે અને હું કોંગ્રેસનો સૈનિક છું, હવે કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી.


