ગુજરાત હાઈકોર્ટમાં ગાંધીનગરના ડોકટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જીદ પરના લાઉડસ્પીકર મુદે દાખલ કરવામાં આવેલી પીઆઈએલ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજય સરકાર વતી ગૃહ વિભાગના એડીશનલ સેક્રેટરી નિખિલ ભટ્ટ દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કરાયું હતું. એમાં સરકાર દ્વારા અઝાન માટે અથવા તો ધાર્મિક કાર્યક્રમો માટે લાઉડસ્પીકર વાપરવું હોય તો એ માટે પરવાનગી લેવી જરૂરી છે.
નોઈઝ પોલ્યુશન નિયમો અંતર્ગત દિવસ અને રાત્રી દરમિયાન તેમજ કોમર્શિયલ તથા રહેણાંક વિસ્તારમાં જે ડેસીબલ નકકી કર્યા છે, એનાથી વધારે જો અવાજ હોય તો તેમની સામે જરૂરી પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત સરકાર દ્વારા ડીવાયએસપી કક્ષાના 56 નોડલ ઓફિસરનું લિસ્ટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું. અરજદારના વકીલ દ્વારા આગામી સુનાવણીમાં આ લિસ્ટ જાહેર કરાય એ મામલે રજુઆત કરાશે.
ગુજરાત હાઈકોર્ટમાં ગાંધીનગરના ડોકટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જીદ પરના લાઉડસ્પીકર મુદે અગાઉ એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી, જેમાં ડોકટરના કિલનિક પાસે મસ્જીદમાં લાઉડસ્પીકર દ્વારા દિવસમાં પાંચ વખત મોટેથી અઝાન વગાડવામાં આવતી હોવાથી આ ધ્વનિ પ્રદૂષણ મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એવી રજુઆત કરવામાં આવી હતી. અરજદાર દ્વારા અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયને પણ ટાંકવામાં આવ્યો હતો. જેમાં એ સ્પષ્ટ કરાયું હતું કે નમાઝ અને અઝાન એ મુસ્લીમ ધર્મમાં પ્રાર્થનાનું અભિન્ન અંગ છે, પરંતુ લાઉડસ્પીકર અને માઈક્રોફોન એના અભિન્ન અંગ નથી. લોકોને ખલેલ પડે એ રીતે ધર્મ સ્વતંત્રતા અંતર્ગત એનો ઉપયોગ કરી શકાય નહીં.
જો કે અરજદાર ડોકટરને લઘુમતી સંપ્રદાયના લોકો તરફથી ધમકીઓ મળતાં તેઓ પીઆઈએલમાંથી હટી ગયા હતા, પરંતુ બજરંગદળના નેતા શક્તિસિંહ ઝાલા દ્વારા મૂળ પીઆઈએલમાં ફરિયાદી બનવાની અરજી આપવામાં આવી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. આ કેસ અત્યારે એકટીંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ અને બિરેન વૈષ્ણવની બેંચમાં ચાલી રહ્યો છે. આ મુદે હાઈકોર્ટે એડવોકેટ જનરલને ટકોર કરી વિગતવાર સોગંદનામું રજુ કરવા સરકારને આદેશ કર્યો હતો.


