ડોલરમાં રૂપિયા કમાવવાના ઓરતા મોટાભાગનાને જાગ્યા છે ત્યારે વિદેશ પહોંચવાના નામે કેટલીકવાર છેતરપિંડીનો ભોગ પણ બનવું પડતું હોય છે તો કેટલીકવાર વિદેશ જવાનો મોહ કે લાલચ મૃત્યુ તરફ દોરી જાય છે. તાજેતરમાં જ વિદેશ જવાની ઘેલછામાં મહેસાણાના ડિંગુચા ગામનો પરિવાર મૃત્યુને ભેટ્યો હતો હાલ અમદાવાદના દંપતી સાથે રુંવાડા ઉભા કરી દે તેવો બનાવ બન્યો છે. અમેરિકા જવાના મોહમાં અમદાવાદના દંપતીનું ઈરાનમાં કિડનેપ થયું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
એજન્ટે દંપતીને USA મોકલવાને બદલે ઈરાન મોકલી દીધું છે જે બાદ ત્યાંથી યુવકનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેની પીઠ પર કિડનેપર્સે બ્લેડના અસંખ્ય ઘા ઝીંકીને રૂપિયા માંગ્યા છે. વીડિયોમાં યુવક લોહીથી લથપથ હાલતમાં જોવા મળી રહ્યો છે. બંનેનું ઈરાનમાં અપહરણ થયાનું કહેવામાં આવી રહ્યું છે.
આ મામલે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે. પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસસૂત્રો જણાવી રહ્યાં છે, દંપતી (પંકજ પટેલ, નીશા પટેલ)એ ગાંધીનગરના એક એજન્ટ દ્વારા 1.12 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. જોકે, હવે એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, એજન્ટે બંનેને અમેરિકા મોકલવાને બદલે ઈરાન મોકલી દીધા છે, જ્યાં બંનેનું અપહરણ થયું છે.



