1960નો દાયકો હતો. ડૉ. વર્ગીસ કુરિયનના વડપણ હેઠળ ગુજરાતનું દૂધ-સહકારી ક્ષેત્ર દેશમાં શ્વેત-ક્રાન્તિના પગરણ માંડી રહ્યું હતું. અમૂલ બ્રાન્ડને વધુ લોકપ્રિય, રાષ્ટ્રીય બનાવવા ચીલાચાલુ જાહેરખબરથી અલગ કંઈક જરૂર હતી. કુરિયને આ કામ ASP એડ એજન્સીને સોંપ્યું. જેના ડિરેક્ટર હતા સિલ્વેસ્ટર દકુન્હા. કુરિયને તેમને બે સ્પષ્ટ તાકીદ કરેલી. અમૂલનો માસ્કોટ અને જાહેરખબર દોરવામાં સહેલી અને અત્યંત યાદગાર રહે તેવો હોવો જોઈએ. દકુન્હાએ તેમના આર્ટ ડિરેક્ટર યુસ્ટેસ ફર્નાન્ડેઝ સાથે મળી પોલ્કા-ડોટવાળું ફ્રોક પહેરેલી, ગુલાબી-ચબી ચિક્સ ધરાવતી ‘અમૂલ ગર્લ’નો આવિષ્કાર કર્યો. તે સાથે જ ‘અટરલી બટરલી’ એડ કેમ્પેન શરૂ થયું. જે છેલ્લા 57 વર્ષથી અવિરતપણે ચાલતા વિશ્વના એકમાત્ર એડ કેમ્પેનનું સ્થાન ધરાવે છે.
આ ‘અમૂલ ગર્લ’ના પિતામહ ગણાવાતા સિલ્વેસ્ટર દકુન્હાનું મુંબઈમાં અવસાન થયું હતું. અમૂલનું ‘અટરલી બટરલી’થી શરૂ થયેલું એડ કેમ્પેન ક્રમશઃ દેશ-વિદેશના અત્યંત મહત્ત્વના સાંપ્રત ઘટનાક્રમને સાંકળીને અત્યંત સોંસરવા તથા વીટ્ટી વાક્યોની જાહેરખબર પર આગળ વધ્યું. જે એટલી બધી લોકપ્રિય બની કે, હવે પછી અમૂલની બટર ગર્લના હોર્ડીન્ગ્સ પર કોના વિષે, શું કહેવાય છે તેની ઉત્કંઠા લોકવ્યાપી રહેતી હતી.
છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના પિતાના વારસાને આગળ વધારી રહેલા અને અમૂલ એડ કેમ્પેનનું સંચાલન કરતા રાહુલ દકુન્હા અત્યંત ગૌરવ સાથે કહે છે કે, ડૉ. વર્ગિસ કુરિયને સ્પષ્ટપણે પિતાને તાકીદ કરી હતી કે, એડ કેમ્પેન સહેજે બોરિંગ ન હોવું જોઈએ અને એવું રમતિયાળ માસ્કોટ બનાવો જે દેશભરની ગૃહિણીઓના દિલનો કબજો જમાવી લે. અમૂલ ગર્લના આઈડિયા પાછળ સિલ્વેસ્ટર દાકુન્હાના પત્ની નિશા અને આર્ટ ડિરેક્ટરના પત્નીનું પણ યોગદાન હતું.
સિલ્વેસ્ટર દકુન્હાએ કુરિયનને સહેજે નિરાશ નહોતા કર્યાં, તે પુરવાર થયું છે. સાંઈઠ અને સિત્તેરના દાયકામાં હાથે દોરીને બનાવાતા આઉટ-ઑફ-હોમ એડ્વર્ટાઈઝિંગના હોર્ડીન્ગ્સ, ન્યૂઝ પેપરની પ્રિન્ટ એડથી માંડી બેક-લીટ, ફ્રન્ટ-લિટ હોર્ડીન્ગ્સના સમયથી આગળ વધી સોશિયલ મીડિયાના પ્રત્યેક તબક્કે પરિવર્તન આવવા છતાં હજુ આજે પણ ‘અમૂલ ગર્લ’ અને તેના સાંપ્રત વિટ્ટી સ્ટેટમેન્ટ્સ એટલા જ અસરકારક અને લોકપ્રિય છે.