ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની નવી આવૃત્તિમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર તેની પ્રથમ ટેસ્ટ શ્રેણી રમવાની છે. ટીમ ઈન્ડિયાને આગામી વિન્ડીઝ પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની તક મળશે. આ પ્રવાસ માટે ભારતીય ટીમના સિલેક્ટર આજે ટીમની પસંદગીની સાથે તેની જાહેરાત પણ કરી શકે છે. આ ટેસ્ટ સિરીઝ માટે એવા અહેવાલો હતા કે કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવી શકે છે, પરંતુ BCCIના અધિકારીએ પોતાના નિવેદનથી આ બધી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ અને શ્રેયસ અય્યર વિન્ડીઝ પ્રવાસ માં રમશે નહીં. આ ત્રણેય ખેલાડીઓ હજુ સુધી સંપૂર્ણ રીતે ફિટ થયા નથી. આ સાથે જ ચેતેશ્વર પુજારા ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બચાવવામાં સફળ થઈ શકે છે. WTC ફાઈનલ મેચમાં હાર બાદ પૂજારા સતત ટીકાઓનો સામનો કરી રહ્યો છે.
બીસીસીઆઈના એક અધિકારીએ ઈન્સાઈડ સ્પોર્ટ્સને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે રોહિત સંપૂર્ણ રીતે ફિટ છે અને ટીમ માં પણ સામેલ છે. તેને શાનદાર બ્રેક મળ્યો છે. આ કારણોસર, વર્કલોડ મેનેજમેન્ટ વિશે કોઈ ચિંતા નથી. તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.
રોહિત શર્મા પણ તેના વર્તમાન ફોર્મને લઈને ટીકાઓનો સામનો કરી રહ્યો છે. આ અંગે અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે IPL અને WTC ફાઈનલમાં વધુ રન બનાવી શકે છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં તેણે બેટથી ઘણું સારું પ્રદર્શન કર્યું છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે નાગપુરના મેદાનમાં સદી ફટકારી હતી. તે પોતાની ફિટનેસનું પણ ધ્યાન રાખે છે. તેના ફોર્મ પર તેની ટીકા કરવી યોગ્ય રહેશે નહીં.
હાર્દિક ટી20 સિરીઝમાં કેપ્ટનશિપ સંભાળી શકે છે, ગિલને આરામ મળી શકે છે
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચની T20 સીરીઝ માટે ટીમનું સુકાન સંભાળી શકે છે. અને ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને શુબમન ગિલને ટેસ્ટ અને ODI સિરીઝ બાદ T20 સિરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે. જેથી તેમના વર્કલોડને મેનેજ કરી શકાય. આ સિવાય સરફરાઝ ખાન અને મુકેશ કુમારને પણ ટેસ્ટ ટીમમાં જગ્યા મળી શકે છે.




