ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ ટીમમાં ત્રણ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ડાબા હાથના બેટ્સમેન યશસ્વી જયસ્વાલ, જમણા હાથના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને ઝડપી બોલર મુકેશ કુમારનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટની સાથે IPL 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
પસંદગીકારોએ ફાસ્ટ બોલર નવદીપ સૈનીને વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કર્યો છે. તે લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યો છે. સૈની ભારત માટે અત્યાર સુધીમાં 2 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ જાન્યુઆરી 2021માં રમી હતી.
પૂજારા અને ઉમેશ ટેસ્ટ ટીમની બહાર
પસંદગીકારોએ સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને ઝડપી બોલર ઉમેશ યાદવને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં પસંદ કર્યા નથી. સાથે જ મોહમ્મદ શમીને વર્કલોડને જોતા આરામ આપવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની તરીકે પાંચ ઝડપી બોલરોની પસંદગી કરવામાં આવી છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (રિઝર્વ વિકેટકીપર), આર અશ્વિન , રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.
વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણીનું શિડ્યૂલ
પ્રથમ મેચ – 12 જુલાઇ, બુધવારથી 16 જુલાઇ
બીજી મેચ – 20 જુલાઈ, ગુરુવારથી 24 જુલાઈ.
જસપ્રીત બુમરાહના ફેન્સ માટે સારા સમાચાર
ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ઈજાના કારણે ટીમની બહાર છે. જો કે હવે તેની વાપસી અંગે સારા સમાચાર આવ્યા છે. બુમરાહ ઓગસ્ટમાં આયરલેન્ડ સામે રમાનાર શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનાર ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.