ચોમાસાના આગમન સાથે જ રવિવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો રાજકોટમાં વીજળી પડવાથી એક ખેત મજૂરનું મોત નિપજ્યું છે.
ગઈકાલે મોટાભાગના જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ઘોઘા તાલુકામાં નોંધાયો છે. ભાવનગર જિલ્લાના ઘોઘામાં 24 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરીવળ્યા હતા, તો ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા.
અમરેલીમાં 24 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં બરવાળા અને ભાવનગરમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળ, વાગરા, ભરૂચમાં 1.5 ઈંચ, સાયલા, બોટાદ, ગોંડલ અને શિહોરમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટ, બાબરા અને મોડાસામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પડધરી, કોટડા સાંગાણી અને કુતિયાણામાં 1-1 ઈંચ, લાઠી અને જામનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.