સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એકસાથે બે અંગદાનની વિરલ ઘટના બની છે. મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળશે. આ સાથે આજે નવી સિવિલથી અંગદાનની સેન્ચુરી પૂર્ણ થઈ છે.
નવી સિવિલ દ્વારા છેલ્લા છ મહિનામાં 31 અંગદાનની ઘટનામાં કુલ 100 અંગોનું દાન થયું છે.સિવિલમાં દાખલ બંને દર્દીઓ બ્રેન્ડેડ જાહેર થતાં બંનેના પરિવારના સભ્યોને સોટોની ટીમના ડૉ.નિલેશ કાછડીયા, RMO ડૉ. કેતન નાયક, ઈકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો આ બંને પરિવારોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સંમતિ આપી હતી.
બંને બ્રેઈનડેડ દર્દીઓના પરિવાર દ્વારા અંગદાનની સંમતિ આપવામાં આવી હતી. જેથી બંને વ્યક્તિઓની પ્રત્યેકની બે કિડની અને એક લીવર એમ કુલ ચાર કિડની અને બે લીવરનું દાન લેવામાં આવ્યું હતું. જેમાં સ્વ. મનોજના કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં જ્યારે સ્વ.અરવિંદના લીવર ઝાયડ્સ હોસ્પિટલ- અમદાવાદ અને કિડની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.આ સાથે કુલ છ અંગોના દાન થકી અન્ય છ દર્દીઓના જીવનમાં નવા રંગો પૂરવાનું સેવાકાર્ય થયું હતું.